જૂનાગઢમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
- Advertisement -
અધ્યક્ષ સ્થાનેથી હરેશ ઠુંમરે આદિવાસી સમાજના સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટેના યોગદાનને બિરદાવ્યું હતું અને આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘વિકસિત ભારત’ના સંકલ્પની સિદ્ધિ માટે ‘વોકલ ફોર લોકલ’ અપનાવવાનું આહ્વાન પણ કર્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી વર્ષ 2021થી બિરસા મુંડાના જન્મદિન (15મી નવેમ્બર) ને ’જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે બિરસા મુંડાના માત્ર 25 વર્ષની નાની વયે અંગ્રેજો સામેની લડત અને રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ બિહુ અને છત્તીસગઢી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. વિવિધ વિભાગો જેમ કે પશુપાલન, પ્રાકૃતિક કૃષિ, મહિલા લક્ષી યોજનાઓ અને સમાજ સુરક્ષા દ્વારા સ્ટોલ નિદર્શન, હેલ્થ કેમ્પ અને બિરસા મુંડાજીના જીવન પર આધારિત ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે સૌએ સ્વદેશી વસ્તુ અપનાવવાના શપથ લીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર બી.એસ.બારડ અને ટીમે જરૂરી સંકલન કર્યું હતું.



