પિખોર ગામે પિયરે આવીને પરણિતાએ ગળાફાંસો ખાઈ લીધો
દીકરીએ આપઘાત કરતા પિતાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
- Advertisement -
મૃતકના મોબાઈલમાં રહેલાં કોલ રેકોર્ડિંગ પોલીસને પુરાવારૂપે સોંપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
માળીયા હાટીના તાલુકાના પીખોર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ભરતસીંહ પુનાભાઈ બાબરીયા (ઉ.વ. 51) એ તેમની પુત્રી ભાવિશાબેનની આત્મહત્યાના કેસમાં તેમના જમાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભરતસિંહની દીકરી ભાવિશાબેનના લગ્ન સને 2020માં માતરવાણીયા ગામના આશિષ લખમણભાઈ દયાતર સાથે થયા હતા. આશિષ દયાતર હાલમાં પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ ભાવિશાબેન તેમના પતિ સાથે વિસાવદર અને ત્યારબાદ મેંદરડા પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા. લગ્નના થોડા સમય બાદ જ જમાઈ આશિષભાઈને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો બંધાયા હતા. જ્યારે ભાવિશાબેન તેમના પતિને આવા અનૈતિક સંબંધો ન રાખવાનું કહેતા, ત્યારે આરોપી કોન્સ્ટેબલ તેમને શારીરિક માર મારતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. ફરિયાદ મુજબ, આરોપી કોન્સ્ટેબલે ભાવિશાબેનને તેમના પરિવાર સાથે ફોનમાં વાત કરવા દેતો નહોતો કે પિયર આવવા પણ દેતો નહોતો. સતત આપવામાં આવતા શારીરિક અને માનસિક દુ:ખ-ત્રાસ છતાં, ભાવિશાબેન પોતાનું ઘર ચલાવવાની ફરજને કારણે ચૂપચાપ આ બધું સહન કરતા હતા. આખરે, ફરિયાદી ભરતસીંહ બાબરીયાએ જણાવ્યું છે કે, તેમની દીકરી જમાઈના આ દુ:ખ-ત્રાસથી અને આડા સંબંધોથી કંટાળી ગયેલ હોય અને મરવા માટે મજબૂર થતાં, ગઈ તા. 11/11/2025 ના રોજ પીખોર સ્થિત તેમના ઘરે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
આત્મહત્યાના 15 દિવસ પહેલા પણ કર્યો હતો પ્રયાસ
મૃતક ભાવિશાબેને આત્મહત્યા કર્યાના માત્ર 15 દિવસ પહેલા, એટલે કે તા. 28-10-2025ના દિવસે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભાવિશાબેનનો પરિવાર તેમને પોતાના ઘરે (પીખોર) લઈ આવ્યો હતો અને ત્યારથી તેઓ પિયરે જ રહેતા હતા. આ દરમિયાન દીકરીએ પોતાના પરિવાર સમક્ષ પતિના ત્રાસની આપવીતી રજૂ કરી હતી. અંતે, 11 નવેમ્બરના રોજ કોન્સ્ટેબલ આશિષ દયાતરના ત્રાસથી કંટાળીને તેમણે પોતાના પિયરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
- Advertisement -
તપાસમાં મહિલા પોલીસ અધિકારીનું નામ ખૂલવાની આશંકા
આ સમગ્ર મામલે કેસની તપાસ પહેલેથી માંગરોળ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. શરૂઆતમાં પોલીસે બે દિવસ પહેલા એડી દાખલ કરી હતી. તે સમયે મૃતક યુવતીના પરિવારે પોલીસને મૌખિક રજૂઆત કરી હતી, જેમાં એક મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં માત્ર મૃતક યુવતીના પતિ આશિષ લખમણભાઈ દયાતર (રહે. મેંદરડા પોલીસ ક્વાટર્સ) સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના મોબાઈલમાં રહેલ કોલ રેકોર્ડિંગ, જે પોલીસને પુરાવા રૂપે આપવામાં આવ્યા છે, તેની તટસ્થ તપાસ કરવામાં આવે તો, કોન્સ્ટેબલ આશિષ દયાતરને કોણ મહિલા સાથે આડા સંબંધો હતા તે સ્પષ્ટ બનશે અને તપાસમાં જેનું પણ નામ ખૂલે તેની સામે ગુનો નોંધવા પિતા ભરતસિંહ બાબરીયાએ માંગણી કરી છે.



