દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો ખિતાબ મેળવનાર અભિનેત્રી
હિન્દી સિનેમાના આદરણીય અને લોકપ્રિય હસ્તીઓમાંના એક એવા અનુભવી બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન થયું છે. જણાવી દઈએ કે તેમને દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
કામિની કૌશલ: બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત
અહેવાલો અનુસાર, કામિની કૌશલનું નિધન વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે થયું હતું. તેમના પરિવારના નજીકના સૂત્રએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લો-પ્રોફાઇલ હોવાથી, આ સમયમાં તેમની ગોપનીયતા જાળવવામાં આવે. આ દિગ્ગજ અભિનેત્રીએ 24 ફેબ્રુઆરી, 1927ના રોજ જન્મ લીધો હતો અને તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1946માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી થઈ હતી. નોંધનીય છે કે, તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરીને પોતાની કારકિર્દીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
આ ફિલ્મોમાં કર્યું છે કામ
- Advertisement -
કામિની કૌશલે તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન ‘શહીદ’, ‘નદિયા કે પાર’, ‘શબનમ’, ‘આરઝૂ’, ‘બિરાજ બહૂ’, ‘દો ભાઈ’, ‘ઝિદ્દી’, ‘પારસ’, ‘નમૂના’, ‘ઝાંઝર’, ‘આબરૂ’, ‘બડે સરકાર’, ‘જેલર’, અને ‘નાઇટ ક્લબ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની ફિલ્મ ‘નીચા નગર’ ખૂબ જ હિટ રહી હતી, જેને સૌપ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત, તેમણે દૂરદર્શન પર આવતી સિરિયલ ‘ચાંદ સિતારે’ સહિત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
ધર્મેન્દ્રના પહેલા કો-સ્ટાર હતા
રસપ્રદ વાત એ છે કે, ધર્મેન્દ્રના પ્રથમ કો-સ્ટાર કામિની કૌશલ જ હતાં. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને આ યાદ તાજી કરી હતી અને લખ્યું હતું કે આ ‘મારી જિંદગીની, પહેલી ફિલ્મ ‘શહીદ’ની હીરોઈન કામિની કૌશલ સાથે પહેલી મુલાકાતની પહેલી તસવીર… બંનેના ચહેરા પર સ્મિત… એક પ્રેમભરી ઓળખાણ’ હતી.




