મધ્યપ્રદેશના રતલામ નજીક ભીમપુરા ગામ પાસે માહી નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. આ ભીષણ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચેય લોકોના મોત નીપજ્યા છે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. જેમાં વડોદરાના બે યુવકોનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
ડ્રાઇવરને ઝોકું આવી જતાં દુર્ઘટના સર્જાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર તમામ મુસાફરો મુંબઈ જઈ રહ્યા હતા. વહેલી સવારે ભીમપુરા ગામ નજીક માહી નદીના પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઇવરને અચાનક ઝોકું આવી ગયું હતું. આના કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર પુલની રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી હતી.
મૃતકોમાં વડોદરાના 2 અને મુંબઈના 3 લોકો સામેલ
- Advertisement -
આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારમાં સવાર પાંચેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોમાં 3 લોકો મુંબઈના અને 2 લોકો વડોદરાના વતની હતા. મૃતકોની ઓળખ ખાલીસ ચૌધરી (વડોદરા), અબ્દુલ ગુલામ (વડોદરા), દુર્ગેશ પ્રસાદ (35 વર્ષ, ડ્રાઈવર, રહે મુંબઈ), દાનિશ ચૌધરી (15 વર્ષ, રહે મુંબઈ) ગુલામ રસૂલ (70 વર્ષ, રહે મુંબઈ) તરીકે થઇ છે.
પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રતલામ મેડિકલ કોલેજ ખાતે મોકલી આપીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.




