બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતગણતરી ચાલુ છે. જેમાં NDA 193 બેઠકો પર અને મહાગઠબંધન 45 બેઠકો પર સરસાઈ જાળવી રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનની પાર્ટીના પ્રદર્શન પર સૌની નજર છે.
- Advertisement -
LJP(R)નો સ્ટ્રાઈક રેટ: 75% તરફ
ચિરાગ પાસવાને ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે પાછલી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 100% રહ્યો હતો, એટલે કે 6માંથી 6 બેઠકો પર જીત મળી હતી. વર્ષ 2019માં LJP(R)એ ઝમુઈ, હાજીપુર, વૈશાલી, નવાદા, ખગડિયા અને સમસ્તીપુર લોકસભા બેઠકો જીતી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં LJP(R)એ 28 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે અને પાર્ટી હાલમાં 21 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ તમામ ઉમેદવારો જીતશે, તો તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 75% રહેવાનો અંદાજ છે.
પાછલી ચૂંટણીમાં એક પણ બેઠક ન મળી
- Advertisement -
2020ની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટી (LJP) NDA ગઠબંધનથી અલગ થઈને લડી હતી, જેનો તેને મોટો ફટકો પડ્યો હતો. લોક જનશક્તિ પાર્ટી (LJP)એ 2020માં એકલે હાથે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીને 5.68% એટલે કે લગભગ 23.83 લાખ મત મળ્યા, પરંતુ તે માત્ર એક જ બેઠક (બેગુસરાયની મટિહાની વિધાનસભા બેઠક) જીતી શકી હતી.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે આ વખતે NDA ગઠબંધનમાં કુલ પાંચ પક્ષો સામેલ છે, જેમાં ભાજપ અને JDU બંનેએ 101-101 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ઉપરાંત, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 28 બેઠકો પર, જ્યારે રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ, મહાગઠબંધનમાં સામેલ RJD 143 બેઠકો પર, કોંગ્રેસ 61 પર, CPI(ML) 20 પર, VIP (વિકાસશીલ ઇન્સાન પાર્ટી) 13 પર, CMI (M) 4 પર અને CPI 9 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.




