હથિયાર સાથે ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાવવાનો પ્રયાસ: યુવક અને હથિયાર માલિક વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
- Advertisement -
મોરબી એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથેના ફોટા અપલોડ કરીને સમાજમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા એક યુવક અને હથિયારના પરવાનેદાર એમ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. એસઓજી ટીમને ઇન્સ્ટાગ્રામ આઈડી ’મયતવશબજ્ઞુબફદફહ’ પરથી હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ થતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે એસઓજી પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સંચાલક બાવલભાઇ વિઠ્ઠલભાઇ દેત્રોજા (ઉં.વ. 22, રહે. ભલગામડા, તા. હળવદ) ને હળવદના પલાસણ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. યુવકે કબૂલાત કરી હતી કે તેણે બે વર્ષ પહેલાં પોતાના સંબંધી છેલાભાઇ મનજીભાઇ ઉઘરેજા (ઉં.વ. 57) ના લાઇસન્સવાળા સિંગલ બેરલ મઝલ લોડ હથિયાર સાથે ફોટો પાડીને પોસ્ટ કર્યો હતો. એસઓજી પોલીસે સમાજમાં ભય ફેલાવવાની શક્યતા હોવાને કારણે હથિયાર (કિં. ₹ 10,000) અને મોબાઇલ ફોન (કિં. ₹ 5,000) મળી કુલ ₹ 15,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને આરોપીઓને હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરીને તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



