બે દિવસથી દેશમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓને કારણે તણાવનો માહોલ
પ્રોસિક્યુટર્સે ગયા વર્ષના વિદ્યાર્થીની આગેવાની હેઠળના “જુલાઈ બળવો”ના હિંસક દમનના આદેશમાં તેણીની કથિત ભૂમિકા માટે મૃત્યુદંડની માંગ કરી છે, જેણે આખરે 5 ઓગસ્ટ, 2024ના રોજ તેની સરકારને ઉથલાવી દીધી હતી.
- Advertisement -
બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓને કારણે તણાવનો માહોલ છે. આ હિંસા 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. ગુરુવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે, કારણ કે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ‘ઢાકા લોકડાઉન’ નું આહ્વાન કર્યું છે.
શેખ હસીના વિરુદ્ધ હત્યા-ષડયંત્રના આરોપો પર કોર્ટ આપશે નિર્ણય
પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકાના પ્રવેશ પર ઘણા ચેકપોઇન્ટ્સ સ્થાપીને જાહેર વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ (ICT)ની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આ જ અદાલત શેખ હસીના અને તેમના મુખ્ય સહયોગીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા હત્યા અને ષડયંત્ર સહિતના ડઝનબંધ આરોપો પર નિર્ણયની તારીખ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતમાં શરણ લેવા આવ્યા હતા.
- Advertisement -
તણાવને કારણે ઢાકાનું જનજીવન ઠપ
રાજકીય તણાવના પગલે ઢાકાનું જનજીવન થંભી ગયું છે. આ ઉપરાંત, આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓની ઘટનાઓ રાજધાનીની બહાર ગાઝીપુર અને બ્રાહ્મણબારિયા જેવા શહેરોમાં પણ ફેલાઈ ગઈ છે. મીડિયા અહેવાલ મુજબ, આ હિંસા માટે અવામી લીગના સમર્થકોને સરકારે જવાબદાર ઠેરવ્યા છે. બ્રાહ્મણબારિયામાં ગ્રામીણ બેન્કની એક શાખાને આગ લગાડવામાં આવી, જેના કારણે ફર્નિચર અને દસ્તાવેજો સંપૂર્ણપણે નાશ પામ્યા. નોંધનીય છે કે, 1983માં ગરીબોને માઇક્રો-ક્રેડિટ આપવા માટે આ ગ્રામીણ બેન્કની સ્થાપના મોહમ્મદ યુનુસ દ્વારા કરવામાં આવી હતી.




