પ્રેમિકાએ પત્ની સહિતના પરિવારને છોડી દેવાનું કહેતા આચરેલું કૃત્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અઢી અક્ષરના પ્રેમ પાછળ લોકો ન કરવાનું કરી બેસતા હોય છે ત્યારે રાજકોટમાં રહેતા પ્રેમાંધ યુવકે સરધાર જઈ પ્રેમિકા ઉપર છરીથી હુમલો કર્યા બાદ પોતાની જાતે જ પોતાને છરીના ઘા ઝીકી દેતા બંનેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા પ્રાથમિક તપાસમાં પરણિત પ્રેમીને પ્રેમિકાએ પત્નીને છોડી દેવાનું કહેતા આ હિચકારો હુમલો કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
સરધારનો વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા નિકુંજ અરવિંદભાઈ વેકરીયા ઉ.30 નામના યુવાને સવારે સરધાર ગામે જઈ તેની પ્રેમિકા ઉપર છરીથી હુમલો કર્યો હતો અને તે પછી પોતે પણ પોતાની જાતે છરીના ઘા મારી દેતા બંને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને યુવતીને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને સરધાર આઉટ પોસ્ટનો સ્ટાફ પણ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં નિકુંજ પરણિત હોવાનું જાણવા મળ્યું છે તેને સરધાર રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આ દરમિયાન નિકુંજની પત્નીને અફેર અંગે ખબર પડી જતા તેણી રિસામણે જતી રહી છે બીજી તરફ પ્રેમિકાએ પત્ની સાથેના તમામ સંબંધ પુરા કરી નાખે તો જ પોતે લગ્ન કરશે તેવી જીદ કરતા રોષે ભરાયેલા નિકુંજે સરધાર જઈ પ્રેમિકા ઉપર હિચકારો હુમલો કરી પોતાને પણ ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



