ફોર્મ ભરવાની માથાકૂટ ટાળો: આધારકાર્ડ પર સીધા ખાતામાં પેકેજ આપો: ‘7/12-8અ’ના સર્વર ડાઉન થવાની સમસ્યા નિવારવા રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
મોરબી સહિત રાજ્યભરમાં તાજેતરમાં થયેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે અને તેઓ ગંભીર સંકટમાં મુકાયા છે. સરકારે જાહેર કરેલા રાહત પેકેજની સહાય ખેડૂતોને ઝડપથી અને સહેલાઈથી મળે તે માટે ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લા પ્રમુખ બાબુલાલ એલ. સીણોજીયાએ કૃષિમંત્રીને મહત્ત્વની રજૂઆત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, આજના ડિજિટલ યુગમાં સરકારે ફોર્મ ભરવાની લાંબી અને જટિલ પ્રક્રિયા ટાળવી જોઈએ અને ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડના આધારે રાહત પેકેજની સહાય સીધી જ ચૂકવવામાં આવે. આ ઉપરાંત, તેમણે સહાયની મર્યાદા અને પોર્ટલની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે, હાલમાં એક ખાતેદાર પાસે અલગ અલગ ગામોમાં જમીન હોય તો પોર્ટલ માત્ર એક જ ગામની જમીન લે છે, જેના કારણે ખેડૂત પૂરો લાભ ગુમાવે છે. આ માટે પોર્ટલમાં બીજા ગામની જમીન ઉમેરવાનો વિકલ્પ આપવો જોઈએ. ટૂંકા સમયગાળામાં અરજી કરવાની હોય ત્યારે ’7/12 અને 8અ’ ના ઉતારા માટે સર્વર ડાઉન થઈ જવાની સમસ્યાનું નિવારણ લાવવા પણ કિસાન સંઘે સરકારને અગાઉથી આયોજન કરવા માંગ કરી છે.



