15 નવેમ્બરે રિપોર્ટ સોંપવા આદેશ હજુ 100થી વધુ એકમોની તપાસ બાકી
મોટાભાગના એકમોમાં મંજૂરી કરતા વધારાનું બાંધકામ થયેલું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગીર જંગલની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા બાંધકામો અને રિસોર્ટ્સના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા રેવન્યુ અને વન વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે. હાઈકોર્ટના આદેશ મુજબ, તા. 15 નવેમ્બર, 2025 સુધીમાં ગીરની બોર્ડરથી 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા તમામ એકમોની તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજૂ કરવાનો છે. જોકે, તપાસની વર્તમાન ગતિ જોતા નિર્ધારિત સમયમર્યાદામાં 100 જેટલા બાકી રહેલા રિસોર્ટ્સની તપાસ પૂર્ણ થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. સમગ્ર મામલે હાઈકોર્ટે લાલ આંખ કરતા એ વાત સ્પષ્ટ થઈ છે કે ગીર જંગલની બોર્ડર પર અનેક રિસોર્ટ્સ અને બાંધકામો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા હતા. અગાઉ રેવન્યુ અને વન વિભાગની મીઠી નજર તળે આ બેરોકટોક બાંધકામ કરવામાં આવ્યા હતા, ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે હાઈકોર્ટના સીધા હસ્તક્ષેપ બાદ તંત્રએ તપાસ માટે મેદાને ઉતરવું પડ્યું છે. હાઈકોર્ટે ગીર જંગલની બોર્ડરને સ્પર્શતા ત્રણેય જિલ્લાઓ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં 10 કિલોમીટરના એરિયામાં આવેલા તમામ બાંધકામોની સઘન તપાસ કરવા માટે રેવન્યુ અને વન વિભાગને આદેશ આપ્યો છે અને તેનો રિપોર્ટ તા. 15 નવેમ્બર સુધીમાં ફરજિયાતપણે રજૂ કરવા જણાવ્યું છે. ગીર આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ રિસોર્ટ તાલાળા અને સાસણ પંથકમાં આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં સાસણની આસપાસના રિસોર્ટ્સમાં મેંદરડા મામલતદારની ટીમ દ્વારા સાસણ-મેંદરડા વન વિભાગને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે 40 જેટલા એકમોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જોકે, અધિકારીઓએ પોતે સ્વીકાર્યું છે કે હજુ અંદાજિત 100 એકમોની તપાસ બાકી છે. રેવન્યુ અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો સવારથી સાંજ સુધી સતત તપાસ કરવામાં આવે તો પણ એક દિવસમાં માત્ર 10-15 જેટલા એકમોમાં જ તપાસ થઈ શકે છે. પરંતુ સરકારી મીટિંગો, વહીવટી કામગીરી અને અન્ય કાર્યોને કારણે આખો દિવસ તપાસની કામગીરી શક્ય બની શકતી નથી. હાઈકોર્ટનો આદેશ તા. 15 નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો હોવાથી, હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. તંત્ર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં તમામ એકમોની તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવે તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે. હાઈકોર્ટના આદેશ બાદ ચાલતી તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. મોટાભાગના એકમોમાં જે મંજૂરી આપવામાં આવી હતી, તેના કરતાં વધારાનું બાંધકામ થયેલું હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન એકાદ-બે એકમો તો એવા પણ મળી આવ્યા છે, જે સંપૂર્ણપણે મંજૂરી વગરના છે. હાલમાં તંત્ર યુદ્ધના ધોરણે તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યું છે. આ રિપોર્ટ રજૂ થયા બાદ હાઈકોર્ટ દ્વારા કેવું વલણ અપનાવવામાં આવે છે, ગેરકાયદેસર બાંધકામો પર તોડફોડની કાર્યવાહી થશે કે કેમ, તે અંગે અનેક અટકળો તેજ બની છે. હાઈકોર્ટનો આગામી નિર્ણય આ રિસોર્ટ માલિકો અને ગીરની ઇકોલોજી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.



