અરરિયામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ: નવાદામાં ગામલોકોએ ભાજપના ઉમેદવારને ભગાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બિહાર વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન ચાલુ છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 47.62% મતદાન થયું છે, જે પહેલા તબક્કા કરતાં લગભગ 6 ટકા વધારે છે. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા કિશનગંજમાં સૌથી વધુ 51.86 ટકા મતદાન નોંધાયું હતું. અરરિયામાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. નવાદાના હિસુઆથી ભાજપના ઉમેદવાર અનિલ સિંહને ધારિયા ગામના રહેવાસીઓએ ભગાડી મુક્યા હતા, ગામલોકોએ કહ્યું હતું કે તેમણે કોઈ કામ કર્યું નથી. બગહામાં લગભગ 15 હજાર મતદારોએ પાણી-રસ્તા-પુલની માગણીને લઈને મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
જહાનાબાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. મતદાનને લઈને બૂથ નંબર 220 પર બે પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
અરવલમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર મતદાન દરમિયાન અરવિંદ કુમારની અચાનક તબિયત લથડી હતી. તેઓ મતદાન મથક નંબર 189 પર ડ્યુટી પર હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કિશનગંજ, જમુઈ સહિત 5 જિલ્લામાં 6 બૂથ પર ઊટખ ખરાબ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું, “જાણી જોઈને ઊટખમાં ખરાબીની વાત કહેવામાં આવી રહી છે, જેથી મતની ચોરી થઈ શકે.”
20 જિલ્લાના 45,399 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. જેમાં 4,109 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બૂથો પર સાંજે 4 થી 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે અન્ય બૂથો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામો 14 નવેમ્બરના રોજ આવશે.



