ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો
અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટ અને લાલ દરવાજા વિસ્તારમાં રેકી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા ત્રણ આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં હૈદરાબાદમાં રહેતો આતંકી અહેમદ સૈયદ દોઢ મહિના પહેલા પણ અમદાવાદ આવ્યો હતો અને કલોલ પાસેથી રોકડ ભરેલુ પાર્સલ લઈને પરત ગયો હતો. આ સાથે તેણે અમદાવાદમાં નરોડા ફ્રુટ માર્કેટ અને લાલ દરવાજા વિસ્તારમાં રેકી કરી હતી. તેમજ પાકિસ્તાનથી મળતી સુચના મુજબ આતંકીઓએ દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉ સ્થિત આરએસએસના મુખ્ય કાર્યાલયની પણ રેકી કરી હતી.
ગુજરાત એટીએસના સ્ટાફે કલોલના શેરથા પાસેથી ચાર દિવસ પહેલા ડો. અહેમદ સૈયદ નામના એક આતંકીને હથિયાર સાથે ઝડપી લીધા બાદ આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સલીમ ખાનને નામના આતંકીની ધરપકડ કરી હતી. એટીએસના અધિકારીઓએ અહેમદ સૈયદ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા હતા. જે પાકિસ્તાન સરહદથી ડ્રોન મારફતે ભારતમાં મોકલાયા હતા. આ ઉપરાંત, એક સાથે ચાર લિટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું હોવાથી સઘન પૂછપરછમાં તેણે ચોંકાનવારો ખુલાસો કર્યો હતો કે તે સાઈનાઈટ કરતા પણ વધુ ખતરનાક રાઇઝીન નામનું ઝેરી કેમીકલ તૈયાર કરતો હતો. જેનો ઉપયોગ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે કરવાના હતા. રાઈઝીન નામનું ઝેર ખાવામાં તેમજ હવામાં ભેળવી દેવામાં આવે તો પણ ગણતરીની મિનિટોમાં જ અનેક લોકોના જીવ લઈ શકાય તેમ હતું.
એટીએસના અધિકારીઓએ ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ સાથે સકંળાયેલા ડો.અહેમદ સૈયદની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દોઢ મહિના પહેલા તે અમદાવાદ આવ્યો હતો અને તેણે કલોલ પાસેથી રોકડ ભરેલુ પાર્સલ લઇને પરત ગયો હતો. આ નાણાં રાઈઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેણે વધારાના ફંડની પણ માંગણી કરી હતી. અમદાવાદમાં તે લાલ દરવાજા સ્થિત એક હોટલમાં રહ્યો હતો અને નરોડા ફ્રુટ માર્કેટની રેકી કરી હતી. એટીએસના અધિકારીઓએ લાલ દરવાજા સ્થિત હોટલના માલિકની પૂછપરછ કરવાની સાથે સીસીટીવી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ નરોડા ફ્રુટ માર્કેટના સીસીટીવી અંગે કડી મેળવવામાં આવી રહી છે.
ત્રણેય આતંકીઓએ આ ઉપરાત દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉમાં આવેલા આરએસએસના હેડ ક્વાટર્સની રેકી કરી હોવાની વિગતો સામે આવી છે. જેથી ગુજરાત એટીએસ દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે.
- Advertisement -
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ડૉક્ટર સામે સકંજો, પુલવામાથી સજ્જાદ અહેમદ માલાની ધરપકડ
ડૉ. સજ્જાદ અહેમદ દિલ્હી હુમલામાં સંડોવાયેલા ડૉ.ઉમરનો મિત્ર છે
માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્ર્મીરમાં ડો. ઉમરના મિત્ર ડોક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામ્યો હોવાનું પણ તપાસ સામે આવ્યું છે.



