અગાઉ 75 રૂપિયાની રસી પર 1500નું પરાણે દાન કરાવાતું હતું
‘ખાસ-ખબર’નાં અહેવાલ પછી ખંડણીની રકમ 1500માંથી 225 રૂપિયા કરાઈ
- Advertisement -
રોગી કલ્યાણ સમિતિમાં અનેક પ્રકારે પરાણે દાન-ધરમ કરાવાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન સાથે 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં ડોનેશનના નામે ઉઘરાવવામાં આવતા હતા. સિવિલ હોસ્પિટલમાં ચાલતા આ ગેરવાજબી ઉઘરાણા અંગેના ‘ખાસ-ખબર’ના અહેવાલનો જબરદસ્ત પડઘો પડ્યો છે. હવેથી સિવિલ હોસ્પિટલમાં યલો ફીવર વેક્સિનના 300 રૂપિયા વસૂલવામાં આવશે. જોકે 75 રૂપિયાની રસીના 300 રૂપિયા વસૂલવા પણ અયોગ્ય હોય તેવો સૂર ઉઠી રહ્યો છે.
અગાઉ સિવિલ હોસ્પિટલ દ્વારા એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈના પત્રમાં જણાવ્યા અનુસાર 15/02/2017ના રોજ યેલો ફીવર વેક્સિનેશન અંતર્ગત મિટિંગમાં થયેલ ચર્ચા અનુસાર યેલો ફીવર ચાર્જીસ લેવામાં આવતો હતો. સિવિલ હોસ્પિટલ પાસે યલો ફીવર વેક્સિન લેનાર પાસેથી 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં લેવામાં આવે છે તેનો કોઈ પરિપત્ર કે લેખિત આદેશ ન હતો. આ સિવાય જો કોઈ વ્યક્તિ યલો ફીવર વેક્સિનમાં રોગી કલ્યાણ સમિતિમાં 1500 રૂપિયા ડોનેશન આપવા ન માંગે તેમજ રોગી કલ્યાણ સમિતિ પાસે કેટલું ફંડ છે તેની વિગતોમાં પણ સિવિલ હોસ્પિટલની પોલ ખુલી ગઈ હતી. ટૂંકમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ નક્કર આધાર પુરાવા વિના 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન લેનાર પાસેથી 1500 રૂપિયાનું ડોનેશન રોગી કલ્યાણ સમિતિના નામે લેવામાં આવતું હતું. ‘ખાસ-ખબર’ના અહેવાલ અને જાગૃત નાગરિકની આરટીઆઈમાં સિવિલ હોસ્પિટલ દ્વારા 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન સાથે રોગી કલ્યાણ સમિતિના નામે લેવાતું 1500 રૂપિયાનું ડોનેશન તદ્દન ગેરવાજબી હોવાનું બહાર આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. અને રાતોરાત યલો ફીવર વેક્સિનના ચાર્જ 1500 રૂપિયામાંથી ઘટાડીને 300 રૂપિયા કરી નાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, દરેક વ્યક્તિ કે જે આફ્રિકા જવા માંગતું હોય અથવા તો જેમના માટે યલો ફીવરની વેક્સિન લેવી ખૂબ જરૂરી હોય તેમના માટે 1500 રૂપિયા બહુ મોટી રકમ માનવામાં આવે ત્યારે આ રકમ હવે 300 રૂપિયા થઈ જતા દર્દીઓને થોડી આર્થિક રાહત ચોક્કસ થશે. જોકે અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે, યલો ફીવર વેક્સિન બજારમાં 90 રૂપિયા જેવી મામૂલી કિંમતમાં આપવામાં આવે છે અને તંત્ર પણ આ જ ભાવે તેની ખરીદી કરે છે ત્યારે પહેલા 1500 રૂપિયામાં અને હવે 300 રૂપિયામાં યલો ફીવર વેક્સિન આપવી એ પણ કેટલું યોગ્ય છે? શું બજાર ભાવે જ યલો ફીવર વેક્સિન ઉપલબ્ધ ન કરાવી શકાય? સિવિલ તંત્ર દ્વારા મૂળ ભાવે જ યલો ફીવર વેક્સિન આપવામાં આવે તેવો નિર્ણય દર્દી નારાયણના હિતમાં કહેવાશે.
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ સામાજિક આગેવાન સંજય લાખાણી – કૃષ્ણદત્ત રાવલે પણ મામલામાં ઝુકાવ્યું હતું
ભારતમાં રહેતા લોકો માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જવા માટે યલો ફીવર વેક્સિન લેવી ફરજીયાત હોય છે. જો સૌરાષ્ટ્રમાં રહેતા લોકોને યલો ફીવર વેક્સિન લેવી હોય તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં યલો ફીવર વેક્સિન આપવામાં આવે છે. જોકે આ 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન સાથે ફરજીયાત 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિના નામે ડોનેશન તરીકે ઉઘરાવવામાં આવતા હોવાના ’ખાસ-ખબર’ના અહેવાલ બાદ સામાજિક આગેવાન સંજય લાખાણી તથા કૃષ્ણદત રાવલે પણ સમગ્ર મામલે લડત આપેલી હતી. જેના ભાગરૂપે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંદર્ભ-02ના પત્ર અન્વયે અત્રેની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે યલો ફિવર વેક્સિનેશનના રૂ.300/- સરકારી ચાર્જીસ લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે યલો ફીવરની રસી 300 રૂપિયામાં જ આપવામાં આવશે એવું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.



