નક્કર કામગીરી કરાવવાને બદલે કાગળ પર સુંદર ચિત્ર ઉપસાવવાના ખેલ: ગાર્બેજ કલેક્શનનો ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ સ્વચ્છતા જાળવવામાં રાજકોટ મનપા તંત્રમાં ઉદાસીનતા
સવારે ટીપરવાનનો કર્મચારી નક્કી કરેલા ચોકમાં ઊભો રહે છે અને વ્હિસલ વગાડે છે અને મહિલાઓ કચરા ટોપલી ઠાલવવા આવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વચ્છ શહેર બનાવાની નેમ લઈને બેઠેલા રાજકોટ મનપાના અધિકારીઓ શહેરની ગંદકી અને સ્વચ્છતા જાળવવામાં કોઈ રસ ન દાખવતા શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે.રાજકોટ મહાનગરપાલિકની એક પણ સેવા એવી નથી કે જેનાથી શહેરીજનોને સંપૂર્ણ સંતોષ હોય, ગાર્બેજ કલેક્શનનો તો શહેરીજનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ આ ગાર્બેજ કલેક્શનમાં બેવડી નીતિને કારણે ડોર ટુ ડોર કચરાનું કલેક્શનની કામગીરી કથળી ગઈ છે શહેરમાં ઠેર ઠેર કરચાના ઢગલા જોવા મળે છે. સ્વચ્છતામાં અગ્રીમ નંબર મેળવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ગ્રાઉન્ડ પર નક્કર કામગીરી કરાવવાને બદલે કાગળ પર સુંદર ચિત્ર ઉપસાવવાના ખેલ કરે છે અને આ વાત સૌ કોઇ જાણે છે.
શહેરમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકોને થતું હતું કે સ્વચ્છતા બાબતે તંત્ર હવે ગંભીર બન્યું છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. પછાત અને મધ્યવર્ગીય વિસ્તારમાં સવારે ટીપરવાનનો કર્મચારી નક્કી કરેલા ચોકમાં ઊભો રહે છે અને વ્હિસલ વગાડે છે, વ્હિસલ સાંભળીને મહિલાઓ રીતસર પોતાના ઘરમાં તમામ કામ પડતાં મૂકીને કચરા ટોપલી સાથે દોટ મૂકે છે અને પોતાની જાતે ટોપલી ખાલી કરી ટીપરવાનમાં કચરો ઠાલવવાનો રહે છે.
જો મહિલાઓને પહોંચવામાં મોડું થાય તો ટીપરવાન જતી રહે છે અને તે કારણે મહિલાઓ પણ નજીકમાં કોઇપણ સ્થળે કચરો ફેંકીને પરત પોતાના ઘરે જતી રહે છે આવી બેવડી નીતિને કારણે શહેર આજે પણ સ્વચ્છ કે કચરા મુક્ત થઇ શક્યું નથી. કરોડો રૂપિયાનો ખર્ચ ટીપરવાન અને ગાર્બેજ કલેક્શન માટે કરવામાં આવે છે, પરંતુ નક્કર પરિણામ મળતું નથી.



