સરેરાશ મનુષ્ય ચોવીસ કલાકમાં પ્રતિદિન 60 હજારથી 3 લાખ જેટલી સંખ્યામાં વિચારો કરતો રહે છે. આમાંથી ગણતરીના જ વિચારો સાત્ત્વિક હોય છે. તમે માત્ર એક કલાકમાં તમારા પોતાના મનનો અભ્યાસ કરી શકો. દિવસના ચોવીસ કલાકમાંથી સંપૂર્ણ નવરાશ વાળો કોઈ પણ એક કલાક પસંદ કરો. પછી કાગળ અને પેન લઈને બેસી જાઓ. તમારા મનમાં જે વિચાર આવે તે ટપકાવતા જાઓ. એક કલાકના અંતે તમને ખુદને તમારા માટે શરમ આવશે. તમને આવેલા નવ્વાણું ટકા વિચારો ભૌતિક ભોગવિલાસના અને રાજસી કે તામસી પ્રકૃતિના હશે. આવું ન થાય તેના માટે જ મંત્ર-જાપ અને મેડિટેશન આવશ્યક છે. શરૂઆતમાં સવારે અને સાંજે બે વાર ધ્યાનમાં બેસવાથી કમ સે કમ તમારો એક કલાક તો સાત્ત્વિક બની જશે. ધીમે ધીમે મંત્ર-જાપ સહજ બની જશે. એ પછી દુર્વિચારોની સંખ્યા ઝડપથી ઘટી જશે. આ તમે ધારો છો તેટલું અઘરું કે અશક્ય નથી. જન્મથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકના મનમાં કોઈ ખરાબ વિચાર આવતો હશે ખરો? આપણે પણ ધ્યાન અને મંત્ર-જાપ દ્વારા એ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. શરૂઆત સવારે અને સાંજે અડધા અડધા કલાકથી કરીએ.



