પાકને થયેલા ભારે નુકસાનને પગલે સહાય અને વળતરની માંગ સાથે ખેડૂતોની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં અણધાર્યા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. અનેક ગામોમાં વરસાદ અને પવનના કારણે કપાસ તથા મગફળીના પાક બરબાદ થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
આજે પાલીતાણા તાલુકાના નવાગામ, બડેલી, વાળુકડ, નોંઘણવદર સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે પાકને થયેલ નુકસાન અંગે વિગતવાર રજૂઆત કરી સહાય અને વળતરની તાત્કાલિક માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદને કારણે માત્ર પાક જ નહીં પરંતુ ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા આગામી વાવેતર પર અસર થવાની શક્યતા છે. તેમણે તંત્રને તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી હતી.



