નવા વર્ષના પ્રારંભે જ 40 ટીમ અલગ અલગ 90 સ્થળે ત્રાટકી
માધાપર, પ્રદ્યુમનનગર, બેડીનાકા, રૈયા રોડ તેમજ આસપાસની 25થી વધુ સોસાયટીમાં ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઙૠટઈક) દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઓચિંતી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા થોડા દિવસથી વીજળીની માંગમાં થયેલા અચાનક વધારાને પગલે 40 જેટલી ટીમો ત્રાટકી હતી. અને જુદા-જુદા વિસ્તારમાં 906 કનેક્શનની તપાસ કરી હતી. જેમાં વીજચોરી કરતી 90 જગ્યાઓ પરથી રૂ. 29 લાખની વીજચોરી પકડી પાડી છે. તહેવારોના માહોલમાં PGVCLની આ સખત કાર્યવાહીને કારણે વીજચોરોને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે અને તંત્રએ નવા વર્ષે આવકરૂપી ’બોણી’ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ PGVCLની આ ઓચિંતી કાર્યવાહી રાજકોટ શહેર-2 ડિવિઝન હેઠળ આવતા માધાપર, પ્રદ્યુમનનગર, બેડીનાકા, રૈયા રોડ તેમજ આસપાસની 25થી વધુ સોસાયટીઓમાં કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજવપરાશની માંગમાં અસામાન્ય વધારો નોંધાયો હતો. જેને પગલે તંત્રને વીજચોરીની શંકા ગઈ હતી. આ શંકાના આધારે PGVCL દ્વારા સ્થાનિક સબ-ડિવિઝનની ટીમો સાથે મળી કુલ 40 ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 906 વીજ કનેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન કુલ 90 જગ્યાએથી વીજચોરી પકડવામાં આવી હતી. વીજચોરી કરનારાઓમાં મોટાભાગના આસામીઓએ વીજ મીટરમાં ટેક્નિકલ ચેડાં કરીને મીટર બાયપાસ કર્યા હોવાનું જણાયું હતું. જ્યારે કેટલાક તત્વો દ્વારા ડાયરેક્ટ લંગરીયા નાંખીને મુખ્ય લાઈનમાંથી વીજળી ખેંચવામાં આવી રહી હતી.
PGVCLનાં જણાવ્યા મુજબ આ તત્વોએ ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વીજચોરીના આ કેસો પકડાતા, વીજચોરી કરતા તત્વો ઝપટે ચડી ગયા હતા અને તેમને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
જેમાં ઝડપાયેલા 90 વીજચોરોનું એસેસમેન્ટ કરીને કુલ રૂ. 29 લાખના બિલ ફટકારવામાં આવ્યા છે. આ દંડની રકમ ભરવા માટે આસામીઓને નોટિસ પણ આપવામાં આવી છે અને નિર્ધારિત સમયમાં દંડ નહીં ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. નવા વર્ષના શરૂઆતનાં દિવસોમાં જ PGVCL દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીએ સંદેશો આપી દીધો છે કે, વીજચોરીને લગતા ગુનાઓમાં કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી જ રીતે ઓચિંતી અને મોટા પાયે ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે. આ કાર્યવાહીથી તંત્રને રૂ. 29 લાખની રિકવરી મળવાની આશા છે, જે PGVCL માટે નવા વર્ષની સારી શરૂઆત ગણી શકાય. વીજચોરી સામેની આ સખત લડાઈ અન્ય વિસ્તારોમાં પણ ચલાવવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આ ડ્રાઈવ એક ચેતવણીરૂપ પગલું હોવાનું જણાવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે, કોઈ પણ સંજોગોમાં વીજચોરી સહન કરવામાં આવશે નહીં. આ પ્રકારે ઓચિંતી કાર્યવાહીથી શહેરના પ્રમાણિક ગ્રાહકોમાં સંતોષની લાગણી ફેલાઈ છે. જ્યારે બીજી બાજુ વીજચોરી કરીને આર્થિક લાભ મેળવનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.



