કાદવ – કીચડ અને ખરાબ રસ્તાઓના લીધે અન્નક્ષેત્રના વાહન ચાલવા મુશ્કેલ
3 દિવસ બાદ પરિક્રમાનો પ્રારંભ પણ ફરી રસ્તાઓ બનાવવા 5થી 6 દિવસ લાગે
- Advertisement -
હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, ફરી વરસાદ પડે તો પરિક્રમામાં ભાવિકોની સંખ્યા ઘટશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢમાં આગામી તા. 2 નવેમ્બરથી શરૂ થનારી ગરવા ગઢ ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાના આયોજન પૂર્વે અન્નક્ષેત્રો માટે વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત અગત્યની અપીલ જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. પરિણામે, રૂટ પર હાલમાં અતિશય કીચડની સ્થિતિ સર્જાઈ છે અને વાહનો ફસાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પરિક્રમા રૂટ પર સેવા આપતા તમામ અન્નક્ષેત્રોના સંચાલકોને વિનંતી કરવામાં આવી છે કે નવી સૂચના ન મળે ત્યાં સુધી તેઓ પોતાના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવે. તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ અને સેવાભાવી સંસ્થાઓની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે અને નવી વ્યવસ્થા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
ગિરનાર લીલી પરિક્રમાના 36 કિમિ રૂટના 80 % રસ્તા ધોવાઈ જતા તેને ફરી બનાવવા માટે 6 સાત દિવસનો સમય લાગશે અને ત્રણ દિવસ બાદ વિધિવત પરિક્રમા શરુ થવાની છે. બીજી તરફ લાખોની સંખ્યમાં જયારે ભાવિકો પરિક્રમા કરવા આવતા હોઈ તેના અન્નક્ષેત્રો તરફથી અગાઉ પાંચ દિવસ તૈયારીઓ કરવી પડે પણ જે રીતે ગિરનાર ક્ષેત્રમાં કમોસમી વરસાદ વરસતા પરિક્રમા રૂટના રસ્તાઓ પર કાદવ કીચડ હોવાના લીધે વાહનો ચાલી શકે તેમ નથી જેના લીધે વહીવટી તંત્ર દ્વારા ખરાબ રસ્તાના કારણે અન્નક્ષેત્રોને જ્યાં સુધી ફરી સૂચના મળે નહિ ત્યાં સુધી વાહનો નહિ લાવવા સૂચના આપવામાં આવી છે. જયારે હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો હજુ વરસાદ પડે તો ફરી રસ્તાઓનું ધોવાણ થવાની શક્યતા જોવાઈ રહી છે. કમોસમી વરસાદથી ગિરનારની લીલી પરિક્રમામાં વિઘ્ન ઉભું થશે તે ખાસ ખબરે એહવાલમાં પહેલાજ કહ્યું હતું. અને આજે તંત્ર દ્વારા હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોની ટીમો ગોઠવીને અને જવાબદારીઓ સોંપીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ કમોસમી માવઠાએ આયોજનોને ખોરવી નાખ્યા છે. ગિરનાર ક્ષેત્રના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, વરસાદ પહેલા રૂટ સંપૂર્ણ તૈયાર હતો, પરંતુ ધોવાણ ચાલુ થઈ ગયું છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો માટીકામથી તૈયાર કરાયેલો મોટાભાગનો રૂટ ધોવાઈ જશે, જેના કારણે પરિક્રમા રૂટ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવો પડશે.
વહીવટી તંત્રને હવે પરિક્રમા રૂટના સમારકામ માટે ઓછામાં ઓછા સાતેક દિવસનો સમય લાગશે, જેમાં અમુક મહત્વના ક્રિટીકલ પોઈન્ટને રીપેર કરવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડીસીએફએ પરિક્રમાર્થીઓને તા. 31મી ઓક્ટોબર સુધી અગાઉથી ન આવવા માટે અપીલ કરી છે. વરસાદ રોકાયા પછી તંત્ર દ્વારા બેઠક કરીને પરિક્રમા અંગેનો મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવશે.



