જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદને પગલે જળસપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જિલ્લાની નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે, જેના કારણે જળસ્રોતો છલકાયા છે. ખાસ કરીને ગિરનાર અને દાતાર પર્વતોના ઉપરવાસમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. આને પરિણામે, લાંબા સમય પછી ફરી એકવાર આ પર્વતો પર કુદરતી ઝરણાંઓ વહેતા થયા છે, જેણે આહલાદક દ્રશ્યો સર્જ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો મુખ્ય જળસ્ત્રોત આણંદપુર ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાથી જૂનાગઢ શહેરની પીવાના પાણીની સમસ્યા હળવી થઈ છે અને તંત્ર તેમજ નાગરિકોમાં ખુશીની લાગણી વ્યાપી છે.



