રાજકોટના કેવડાવાળી શેરી નં.2માં સાત દાયકા પૂર્વે મંદિરમાં મહાલક્ષ્મીજીની સ્થાપના કરાઇ હતી
ધનતેરસના દિવસે તમામ ભાવિકો મનોકામના પૂર્ણ કરવા બે સાવરણી ચડાવે છે અને એક ઘરે લઇ જાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના પર્વ પર સૌ કોઈ લક્ષ્મી માતાજીને રિઝવવાના પ્રયાસ કરતા હોય છે. આ દિવસોમાં લક્ષ્મી માતાજીનું ખાસ પૂજન અર્ચન પણ કરવામાં આવતું હોય છે. જોકે રાજકોટમાં એવું મંદિર આવેલું છે કે, જ્યાં માત્ર સાવરણી ધરાવીને લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે. ભાવિકો શ્રધ્ધાપૂર્વક સાવરણી ચડાવવાની માનતા પણ રાખે છે. એવી માન્યતા છે કે સાવરણી ચડાવવાથી ઘરની દરિદ્રતા દુર થાય અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ થાય છે તેમજ નેગેટિવ વિચારો દૂર થાય છે. સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવરણીનું વિશેષ મહત્વ રહેલુ છે. જેથી સાવરણી રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાવરણી ફક્ત ઘરની ગંદકી જ સાફ નથી કરતુ પણ ઘરની દરિદ્રતા પણ દૂર કરે છે. મહાલક્ષ્મી માતાજીનું આ મંદિર રાજકોટના ગુંદાવાડી પાસેના કેવડવાડી વિસ્તારમાં આવેલુ છે. જ્યાં લોકો ધનતેરસ અને દિવાળીના દિવસે લોકોની મોટી સંખ્યામાં ભીડ રહે છે.
સાથે જ ધનતેરસ અને દિવાળી સિવાય લોકો અહિંયા દર શુક્રવારે પણ મંદિરમાં માતાજીને સાવરણી ચડાવવા માટે આવે છે. આ મંદિરમાં ભાવિકો બે સાવરણી મહાલક્ષ્મીજીને ચડાવે છે. જેમાંથી એક સાવરણી માતાજીના મંદિરમાં રાખવામાં આવે છે અને ભાવિકો બીજી સાવરણી ઘરે લઈ જાય છે. જેથી ઘરની દરિદ્રતા દુર થાય છે. રાજકોટ શહેરમાં આવેલું મહાલક્ષ્મજીના મંદિરમાં આવેલી મૂર્તિ એ ધાર્મિક રીતે અનેરું મહત્વ ધરાવે છે. આ મૂર્તિ એ માતાજીની ઉભી મૂર્તિ છે. તેમજ આ મૂર્તિએ ઉત્તરાભિમુખ ધરાવે છે. કહેવાય છે કે, સમુદ્રમંથન વખતે મહાલક્ષ્મીજી ઉતરાભિમુખ પ્રસન્ન થયા હતા. સમુદ્રમંથન વખતે માતાજી જે પરિસ્થિતિમાં પ્રસન્ન થયા હતા તે જ સ્થિતિમાં અહીંયા બિરાજે છે. એવું પણ માનવામાં આવે છે કે અહીંયા બિરાજતા માતાજીની મૂર્તિનું તેજ ખૂબ જ છે. ભક્તોએ એવું પણ કહ્યું હતું કે માતાજીના દર્શન કરતા હોય ત્યારે એવું લાગે કે માતાજી તેમની સામે જ જોઈ રહ્યા છે. મંદિરની અંદર પગ મુકતાની સાથે જ અને સુખ શાંતિનો અહેસાસ થાય છે.