માત્ર BSNLના ટાવરમાંથી જ કેબલ ચોરી, સળગાવી, કોપર વેચી નાખતા
જામનગરના શખ્સ પાસેથી 5 લાખનો મુદામાલ કબ્જે: સાથી ત્રિપુટીની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં બીએસએનએલ એક્સચેન્જના ટાવરને નિશાન બનાવી ચોરી કરતી જામનગર ગેંગના સાગરીતને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ઝડપી લઈ 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ગત તા.22 ના ઉપલેટામાં પોરબંદર રોડ પર રોડ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા અને બીએસએનએલમાં ઈજનેર તરીકે ફરજ બજાવતાં નવનીતભાઇ દુધરેજીયાએ મેખાટીંબી ગામે આવેલ બીએસએનએલ ટેલીફોન એક્ષચેન્જ મકાનના લોખંડના ઝાળી વાળુ શટર તોડી બી.ટી.એસ મશીનના ત્રણ કાર્ડ તેમજ સિસ્ટમથી ટાવર સુધી જતા 90 મીટર કેબલ કાપી 1,91,849ની ચોરી કર્યાની ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી દરમિયાન રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી નાખવા આપેલી સુચના અન્વયે રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણીની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોષી અને અરવિંદસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે જામનગરના અક્ષય રાજુ પરમાર ઉ.27ની ધરપકડ કરી તેની પાસેથી કેબલ વાયરમાથી કાઢેલ કોપર તથા એલ્યુમીનીયમના મોબાલઇ ટાવરના કાર્ડ, બેટરી અને છોટા હાથી સહીત 4,95,500નો મુદામાલ કબ્જે કર્યો છે પ્રાથમિક પૂછતાછમાં આ ગુનામાં તેની સાથે પંકજ ઉર્ફે પકો મુકેશ ચુડાસમા, લાલો વિનુ પરમાર અને ભરત રાજુ મકવાણા સામેલ હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે આરોપી વિરુદ્ધ સૌરાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે ટોળકીએ વીસેક દીવસ પહેલા જામનગરના શંકર ટેકરી વિસ્તરમાંથી દીપકભાઈ સોલંકીનું છોટા હાથી લઇને ઉપરોક્ત ગુનાને તેમજ સાતેક માસ પહેલા મોરબી નજીક નીચી માંડલ ગામે આવેલ બીએસએનએલના ટાવરમાંથી કોપર કેબલની ચોરી, છએક માસ પહેલા જામનગરના પડાણા ગામે બીએસએનએલ ટાવરમાંથી કોપર કેબલની ચોરી, આઠેક માસ પહેલા જોડીયાના ભાદરા ગામે આવેલ બી.એસ.એન.એલ. ના ટાવરમાંથી કોપર કેબલની ચોરી કરી વાયર સળગાવી કોપર કાઢી વેચી દીધાની કબૂલાત આપી છે.