સ્તન કેન્સર જનજાગૃતિ નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલની અનોખી પહેલ
વાવેલું દરેક વૃક્ષ પૃથ્વી માટે પ્રાણવાયુની ફેકટરી સમાન છે: વિજય ડોબરીયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્તન કેન્સર જાગૃતિ નિમિત્તે શહેરના પર્યાવરણને વધુ સ્વચ્છ અને હરિયાળુ બનાવવાના ઉમદા હેતુ સાથે, રાજકોટની પ્રતિષ્ઠિત સ્ટર્લિંગ હોસ્પિટલે સદ્ભાવના ટ્રસ્ટના સહયોગથી આજે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે રેસકોર્સ રીંગ રોડ, કેટલાક જાહેર બગીચાઓ અને શૈક્ષણિક સંકુલની આસપાસ કુલ 100 જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણીય જાગૃતિ કેળવવાનો અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો.
આરોગ્ય અને પર્યાવરણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, તે વાત પર ભાર મૂકતાં સ્ટર્લિંગ હોસ્પિટલના રાજકોટ ઝોનના ઝોનલ ડાયરેકટર ડો. અજય ડોગરાએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ માત્ર રોગોની સારવાર કરવા માટે જ નહીં પરંતુ સમાજના સર્વાંગી સ્વાસ્થ્યની સુખાકારી માટે પણ પ્રતિબદ્ધ છે.
- Advertisement -
શુદ્ધ હવા અને સ્વચ્છ વાતાવરણ સારા સ્વાસ્થ્યનો પાયો છે. આ વૃક્ષારોપણ એ આવનારી પેઢી માટે એક સ્વસ્થ ભવિષ્યમાં અમારું નાનું પણ મહત્ત્વનું યોગદાન છે. આ કાર્યક્રમમાં સ્ટર્લિંગ હોસ્પિટલના રાજકોટ ઝોનના ઝોનલ ડાયરેકટર ડો. અજય ડોગરા સાથે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના ડો. રુચિ રાજગોર તેમજ ડો. સૌરભ મારકણા અને સદ્ભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયા તથા સ્વયંસેવકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારના સમયે જુદી જુદી ટીમો બનાવીને સૌએ સાથે મળીને શહેરના નિર્ધારિત સ્થળોએ લીમડો, પીપળો, ગુલમહોર અને અન્ય ફળાઉ તથા છાંયડો આપતાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. દરેક રોપાની યોગ્ય માવજત થાય અને તે એક વિશાળ વૃક્ષ બને તે માટેની જવાબદારી પણ લેવામાં આવી હતી.
સદ્ભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયાએ આ સહયોગ બદલ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ જેવી મોટી સંસ્થાઓ સામાજિક જવાબદારીના ભાગરૂપે આગળ આવે છે, ત્યારે તે સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. મને આ નેક કાર્યમાં સહભાગી થવાનો ખૂબ આનંદ છે. વાવેલું દરેક વૃક્ષ પૃથ્વી માટે પ્રાણવાયુની ફેકટરી સમાન છે.
આ પહેલ માત્ર વૃક્ષો વાવવા પૂરતી સીમિત ન રહેતાં લોકોમાં પર્યાવરણના જતન અંગે જાગૃતિ લાવવાનો એક સશક્ત પ્રયાસ હતો. આ કાર્યક્રમ રાજકોટના અન્ય નાગરિકો અને સંસ્થાઓને પણ આવા પર્યાવરણલક્ષી કાર્યો કરવા માટે ચોક્કસપણે પ્રેરણા આપશે. આવા સંયુક્ત પ્રયાસોથી જ રાજકોટને વધુ સ્વસ્છ, સુંદર અને હરિયાળુ બનાવી શકાશે.