સાંસદ રામ મોકરિયાએ હાઉસિંગ અને વીમા યોજનાઓ પર ભાર મૂક્યો; ડો. નવલ શીલુ દ્વારા સહકાર મંત્રાલયના પાયાના ફેરફારોની માહિતી અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. ઉત્ત્પલ જોશીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની 37મી વાર્ષિક સાધારણ સભા અને વય મર્યાદાને કારણે નિવૃત્ત થનાર આઠ અધ્યાપકોનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્કૃત ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર મનસુખ મોલિયા સહિતના નિવૃત્ત અધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રી શરદભાઈ દવેએ ગણપતિ સ્તવનના ગાનથી કરી હતી.
- Advertisement -
મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત લોકપ્રિય સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીને માત્ર ધિરાણ આપતી સંસ્થા પૂરતી સીમિત ન રાખતા, તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવો જોઈએ. તેમણે શિક્ષકોની હાઉસિંગ, વીમો અને કલ્યાણકારી યોજનાઓ જેવી અન્ય જરૂરિયાતોમાં પણ સહાયરૂપ થવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સહકારી માળખાને સુદ્રઢ બનાવવા થયેલી કાર્યવાહી અંગે માર્ગદર્શન આપીને મંડળીના વહીવટમાં સંપૂર્ણ ડિજિટલાઇઝેશન અપનાવવા પર ભાર મૂક્યો હતો, જેથી સભાસદોને ઝડપી અને પારદર્શી સેવાઓ મળી શકે.
સહકાર મંત્રાલયના પાયાના ફેરફારો
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સહકાર ભારતી રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. નવલ ડી. શીલુએ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી સ્વતંત્ર સહકાર મંત્રાલય શરૂ થયા પછી સહકારી સંસ્થાઓના વહીવટી માળખામાં આવેલા પાયાના ફેરફારોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંસ્કાર અને સમરસતા હવે ડાયરેક્ટર બોર્ડ અને કર્મચારીઓ માટે પ્રથમ લાયકાત બની રહેશે. ડો. શીલુએ જણાવ્યું કે, હવે પ્રકોષ્ઠ (જેમ કે ક્રેડિટ સોસાયટીઓ, હાઉસિંગ મંડળીઓ) મુજબ તમામ મંડળીઓના બાયલોઝ સમાન રહેશે, અને નોંધણી, બાયલોઝ સુધારાઓ તથા વાર્ષિક સરવૈયા પણ ઓનલાઇન થઈ ગયા છે. હવે ડિરેક્ટરોની ચૂંટણી પણ દર પાંચ વર્ષે થશે. તેમણે અધ્યાપકોની આ મંડળી દ્વારા રાજકોટ જિલ્લાનું સહકારી પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ થઈ શકે તેવો વિચાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, મંડળી નફાનો ઉપયોગ માત્ર ડિવિડન્ડ પૂરતો સીમિત ન રાખતા, વિદ્યાર્થીઓના પુસ્તકો, સ્ટેશનરી, ટેબ્લેટ્સ તથા કર્મચારીઓને ઉપયોગી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વિશાળ મોલ બનાવી વ્યાપારમાં પારદર્શિતા લાવી શકે છે. તેમણે બહેનો અને દિવ્યાંગોને શૈક્ષણિક પ્રોત્સાહન કાર્ય શરૂ કરીને રાષ્ટ્ર સેવા કરવા માટે પણ પ્રેરણા આપી હતી. કુલપતિ પ્રોફેસર ડો. ઉત્પલ જોશીએ મંડળીની સભાસદોને આર્થિક જરૂરિયાતોના સમયે મદદરૂપ થવાની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ પ્રોફે. જે. એ. ભાલોડિયા, મંત્રી પ્રોફે. વી. જે. કનેરીયા સહિત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



