સાપનું રેસ્ક્યું કરતા યુવાનની સારવાર તદ્દન વિનામૂલ્યે કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
કહેવાય છે કે ડોકટર ભગવાનનું રૂપ હોય છે જેમાં ડોક્ટરનો સૌથી પહેલો ધર્મ કોઈપણ લોભ વગર પોતાના દર્દીને તંદુરસ્ત કરવાનો હોય છે પરંતુ આજકાલના તબીબો જેઓ ખાનગી હોસ્પિટલના નામે રીતસરના કારખાના ખોલી બેઠા છે તેઓ કોઈપણ દર્દીને માત્ર રૂપિયાના લોભે સારવાર કરતા હોય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરની શ્રીજી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સાપનું રેસ્ક્યુ કરતા યુવાનને નવું જીવન દાન આપી એકપણ રૂપિયાનો સારવાર પેટે ખર્ચ નહીં લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરમાં છેલા એક દશકાથી સાપનું રેસ્ક્યુ કરતા જયેશભાઈ ઝાલાના પુત્ર ઓમભાઈ ઝાલા પણ પોતાના પિતાની માફક સાપનું રેસ્ક્યુ કરે છે જેમાં ઓમભાઈ ઝાલા સાપનું રેસ્ક્યુ કરતા સામાન્ય ચૂકના લીધે ઝેરી સાપે રેસ્ક્યુ કરતા યુવાનને સર્પદંશ દીધો હતો. આ તરફ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર શરૂ કરી હતી જ્યારે શ્રીજી હોસ્પિટલના તબીબ અને ડોકટરી સ્ટાફ દ્વારા કલાકોના પ્રયત્ન બાદ યુવાનનો જીવ બચાવતા યુવાન તંદુરસ્ત બન્યો હતો પરંતુ આ જ્યારે યુવાનના પિતાએ સારવાર અર્થેના ખર્ચ આપવા માટે હોસ્પિટલ ખાતે ગયા ત્યારે શ્રીજી હોસ્પિટલના સંચાલક શૈલેષભાઈ પટેલ દ્વારા એકપણ રૂપિયો લીધા વગર નાની ઉંમરમાં સાપનું રેસ્ક્યુ કરતા યુવાનને પોતાની હોસ્પિટલ તરફથી સન્માનિત કર્યા હતા જેને લઇ શ્રીજી હોસ્પિટલના સંચાલકો અને તબીબ સ્ટાફની માનવતા જોઈને સાપ રેસ્ક્યુ કરનાર યુવાનના પિતા પણ ગદગદ થઈ ડોકટર ખરા અર્થમાં ભગવાન હોવાનું સૂત્ર સાર્થક ગણાવ્યું હતું.



