વ્હેલી સફારી, વ્હેલો આનંદ, ગીરનું જંગલ 9 દિવસ અગાઉ ખૂલ્લું મુકાયું
ગ્રીન ફ્લેગ સાથે પ્રવાસીઓને મીઠું મોઢું કરાવી સિંહ દર્શનનો પ્રારંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
વિશ્વભરમાં એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત સાસણ ગીરનું જંગલ સફારી આજથી એટલે કે 7મી ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દર વર્ષે સિંહોના સંવર્ધન કાળ દરમિયાન ચાર મહિના માટે બંધ રહેતી જંગલ સફારી આ વખતે 9 દિવસ વહેલી શરૂ થતાં પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સામાન્ય રીતે, સિંહ દર્શનની સફારી દર વર્ષે 16મી ઓક્ટોબરના રોજ શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે વન વિભાગે પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને અને જંગલની સ્થિતિ અનુકૂળ જણાતાં પ્રથમવાર 7મી ઓક્ટોબરના રોજ પ્રારંભ કરી દીધો હતો. ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ જંગલના દરવાજા ખૂલતાં જ પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો.
આજના સફારીના પ્રથમ દિવસના પ્રારંભે વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્હેલી સવારે પ્રથમ ટ્રીપને સાસણ ડીસીએફ મોહન રામ અને વનતંત્રના અન્ય અધિકારીઓ સાથે સ્થાનિક સાસણ ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા લીલી ઝંડી બતાવીને જંગલમાં રવાના કરવામાં આવી હતી. પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે આગેવાનોએ પ્રથમ સફારી કરનારા પ્રવાસીઓના મીઠા મોઢા કરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પ્રથમ ટ્રીપમાં આશરે 10 જેટલી જીપ્સીઓ મારફતે પ્રવાસીઓએ જંગલ તરફ પ્રયાણ કર્યું હતું.
ચોમાસામાં સારો વરસાદ થવાના કારણે ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને ગાઢ હરિયાળું જોવા મળી રહ્યું છે. વન્ય પ્રકૃતિની આ સુંદરતા વચ્ચે પ્રથમ દિવસે જ પ્રવાસીઓ માટે એક યાદગાર ઘટના બની હતી. પ્રથમ ટ્રીપમાં ગયેલા પ્રવાસીઓએ ન માત્ર ગીરના અન્ય વન્યપ્રાણીઓના દર્શન કર્યા હતા, પરંતુ તેમને સિંહ યુગલના પણ દર્શન થતાં તેમનો આનંદ બેવડાયો હતો. પ્રવાસીઓએ ગીરના જંગલની ખીલેલી વન્ય પ્રકૃતિનો મનભરીને આનંદ લીધો હતો. આ વ્હેલી શરૂઆત સૂચવે છે કે આગામી દિવસોમાં દિવાળી અને રજાઓના સમયગાળા દરમિયાન ગીર જંગલ સફારી માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી શકે છે.
પ્રથમ ટ્રીપમાં 10 જીપ્સી રવાના, સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ માણી
રાષ્ટ્રપતિ 3 દિવસ ગુજરાત મુલાકાતે, સાસણ, સોમનાથ અને દ્વારકા જશે
- Advertisement -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી તારીખ 9, 10 અને
11 ઓકટોબરના રોજ ગુજરાત મુલાકાતે પધારી રહ્યા છે જેમાં રાષ્ટ્રપતિ સાસણ ગીર, સોમનાથ મહાદેવ દર્શન અને દ્વારકા નગરીની પણ મુલાકાત કરશે જેમાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુજન અર્ચન કરશે ત્યારબાદ સાસણ ગીર જંગલ સફારી સાથે સિંહ દર્શન કરશે અને ત્યાર બાદ દ્વારકા ખાતે આવેલ ધર્મસ્થાનોની મુલાકત કરી દર્શન કરશે. રાષ્ટ્રપતિ સોરઠ પંથકમાં પધારતા હોઈ તેને લઈને પ્રસાસન અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી છે.



