ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, રાજકોટના ઉપક્રમે પૂજ્ય મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતી તા. 2જી ઓક્ટોબર 2025 ગુરુવારે સાંજે 5-00થી 6-15 પૂજ્ય બાપુના વિદ્યાર્થી કાળના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો. પ્રાર્થના-ભજન રાજેશભાઈ વ્યાસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીયન શિક્ષણના પ્રખર હિમાયતી એવા નરેન્દ્રભાઈ વિઠ્ઠલાણીએ ‘ગાંધીજી અને ગાંધીયુગ’ વિષય ઉપર પ્રવચન આપેલ તેમજ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વકુલનાયક અનામિકભાઈ શાહે પ્રમુખસ્થાનેથી પોતાનું વક્તવ્ય રજૂ કરેલ. સાથોસાથ મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય એવા રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર રક્તપિત્તમુક્ત દર્દીઓનું સમાજમાં પુન: સ્થાપન કરવા માટે તેઓને સ્વરોજગારીના સાધનો પૂરા પાડી સ્વતંત્ર રીતે પોતાના પગ પર ઊભા કરવાનો છેલ્લા 24 વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા હરસુખભાઈ સંઘાણી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ રક્તપિત્ત રોગમુક્ત દર્દીઓનાં પુન:વસન માટે સ્વરોજગારીના સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા 2 ઓક્ટોબરે કબા ગાંધીના ડેલામાં પ્રાર્થનાસભા યોજાઈ
