185.79 કરોડના અંદાજિત ખર્ચે કટારીયા ચોકડી પર અંડરપાસ અને ફ્લાયઓવર બ્રિજ બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ થવાની હોવાથી કટારિયા ચોકડીની ચારેય બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ લાંબો રન કાપીને પોતાની મંજિલે પહોંચવાનું રહેશે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવાયું હતું કે, કટારિયા ચોકડી પર ફ્લાયઓવર તથા અંડરપાસ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે અને તે કામ પૂર્ણ થાય ત્યાં સુધી કટારીયા ચોકડીએથી કોઇ વાહન પસાર થઇ શકશે નહીં.
જાહેરનામાં મુજબ કાલાવડ રોડ જલારામ ફાસ્ટ ફૂડથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધી બંને બાજુ અવરજવર માટે તમામ વાહનો માટે બંધ રહેશે, 150 ફૂટ રિંગ રોડ-2, એક્વાકોરલ બિલ્ડિંગથી લક્ષ્મીના ઢોરાવાળા સ્લેબ કલવર્ટ સુધી બંને બાજુ અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
- Advertisement -
વૈકલ્પિક રૂટ
1. રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવવા જવા માટે કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી ધ-વાઇબવાળા રસ્તાથી 150 ફૂટ રિંગ રોડ-2 થઇ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઇ શકાશે.
2. કાલાવડથી રાજકોટ શહેર આવવા જવા માટે, કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઇ 150 ફૂટ રિંગ રોડ-2 થઇ એલેકઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઇ શકાશે.
3.ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ આવવા જવા માટે એક્વારોલથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઇ 150 ફૂટ રિંગ રોડ-2 તરફ જઇ શકાશે.
4. જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા જવા માટે એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ કોરાટવાળી મેઇન રોડ, ધ-વાઇબ રોડથી 150 ફૂટ રિંગ રોડ-2થી ગોંડલ રોડ તરફ જઇ શકાશે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.