ધ્રાંગધ્રા – સરા વચ્ચે ગોઝારો અકસ્માત
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના: સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને જવાબદાર ઠેરવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને સરા વચ્ચે આવેલા કાળાપાણી નદીના બ્રિજ પર એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં કાર બ્રિજ પરથી કાબૂ ગુમાવતા સીધી નદીમાં ખાબકી હતી, જેમાં બે મહિલા અને એક પુરુષનું મૃત્યુ થયું છે.
આ કરુણ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૂળી તાલુકાના દાધોળીયા ગામના 45 વર્ષીય ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા પોતાની સ્વિફ્ટ કાર લઈને ધાંગધ્રા-સરા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. કાળાપાણી નદીના બ્રિજ પર પહોંચતા જ ચોપાભાઈએ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર ધડાકાભેર નદીમાં ખાબકી હતી.
આ ગોજારા અકસ્માતમાં ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા, બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉં.વ. 50) અને ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજુભાઇ ગીધાભાઇ જેજરીયા, હમીરભાઇ જેઠાભાઈ જેજરીયા અને ભાનુબેન હમીરભાઇ જેજરીયા ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થયું હતું, જેમણે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે હાજર એક સ્થાનિકે જણાવ્યું હતું કે, “હું અહીં જ ઊભો હતો, ત્યારે એક કાર પુલ પરથી નીચે પડી ગઈ હતી. અહીં ડાયવર્ઝન છે, પણ કોઈ બેરિકેટ મૂકેલા નથી કે કોઈ બોર્ડ મૂકેલા નથી.” સ્થાનિકના મતે, આ બેદરકારીને કારણે જ કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે જ ત્રણ લોકોના મોત થયા છે. સ્થાનિકોના કહેવા મુજબ, કારમાં સવાર એક મહિલાને પરિવાર સારવાર માટે લઈ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના નિધનથી પરિવાર અને સમગ્ર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
મૃતકોના નામ
1. બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા ઉમર વર્ષ 50 વર્ષ
2. ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા ઉમર વર્ષ 35
3. ચોપાભાઈ બિજલભાઈ જેજેરીયા ઉમર વર્ષ 45..
મૃતક પરિવાર મૂળી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી..
- Advertisement -