રાહુલ મહેતાના છલડા અને અપેક્ષા પંડ્યાના લોકગીતો પર ખેલૈયાઓ આફરીન; હિતેશ ઢાંકેચા દ્વારા મહાકાલેશ્વરની આરતીનું અદ્ભુત રિધમ પરફોર્મન્સ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહિયર કલબ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ અને ખેલૈયાઓનો જોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. સંપૂર્ણ સુવિધાઓ વચ્ચે યોજાઈ રહેલા આ રાસોત્સવની સફળતા અને વ્યવસ્થાની પ્રશંસા કરવા માટે અનેક રાજકીય અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. પાંચમા નોરતે કલાકારોએ પ્રાચીન ગરબાની રંગત જમાવી હતી. ગરબા કિંગ રાહુલ મહેતા અને લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ ’મહાકાળીવાળી દયાળી જ માં તુ…’, ’ડુંગરેથી ઉતર્યો વાઘ રે…’, ’કાન તારી મોરલીયે…’, કચ્છી ગીતો અને રામદેવપીરનો હેલો જેવા ગીતો પર રાસની રંગત જમાવી હતી.આંતરરાષ્ટ્રીય કલાકાર હિતેશ ઢાંકેચા અને દર્શન ઢાંકેચાની ટીમે 25મા વર્ષના સેલિબ્રેશનના ભાગરૂપે એક અદ્ભુત રિધમ પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે રેમ્પ પર અનેક વાદ્યોના સથવારે મહાકાલેશ્વરની આરતી વગાડી, જે સાંભળીને સહિયરનું ગ્રાઉન્ડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.ત્રીજા મોજ-મસ્તીના દોરમાં ઝીલ એન્ટરટેનમેન્ટ સાથે ગાયક તેજસ શિશાંગીયાએ ખેલૈયાઓને જોશમાં લાવવા માટે હુડો, ટીમલી, વિઠ્ઠલ-વિઠ્ઠલ ધૂન અને બોલીવુડ તડકા જેવા ગીતો પર ઝુમાવ્યા હતા, જેના પર ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા.સહિયર રાસોત્સવની શાન વધારવા માટે અનેક રાજકીય મહાનુભાવોએ હાજરી આપી હતી અને સહિયરની વ્યવસ્થા અને મહેમાનગતિની પ્રશંસા કરી હતી.
- Advertisement -
જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોષી, મહાપાલિકાના મનીષભાઈ રાડીયા, મહામંત્રી દેવેન્દ્રસિંહ ઝાલા તથા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.આજના પર્વ દરમિયાન સહિયરના ઉપપ્રમુખ શ્રી ચંદુભા પરમાર અને ઓર્ગેનાઇઝર રવિરાજસિંહ જાડેજાનો જન્મ દિવસ હોવાથી ગ્રાઉન્ડ પર કેક કટિંગ સેરેમની યોજાઈ હતી. ગાયક તેજસ શિશાંગીયાએ ’દોસ્તીના ગીતો’ ગાઈને બંને મહાનુભાવોને સૂરથી શુભકામનાઓ પાઠવી હતી. ફાઇનલ દોર બાદ ઉત્કૃષ્ટ રાસ રમનારા ખેલૈયાઓને પ્રિન્સ-પ્રિન્સેસ જાહેર કરીને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. બેસ્ટ ગ્રુપનો સ્પેશ્યલ પ્રાઇઝ દ્વારકાધીશ ગ્રુપને ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે, અને સેક્ધડ પ્રાઇઝ કટારીયા નેકસા ગ્રુપને પ્રોજેક્ટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળાના હસ્તે અપાયું હતું. આદ્યશક્તિની આરતી સાથે પાંચમા નોરતાના રાસોત્સવને અલ્પવિરામ અપાયો હતો.



