લવગાર્ડનનું જાહેર શૈચાલય-મુતરડી ગંદકીથી ખદબદી રહ્યાં છે
ખુલ્લાં વીજવાયર, કાપેલી વૃક્ષની ડાળીઓ, ઠેર-ઠેર તૂટેલી ડસ્ટબીન અને ગંદકીના ગંજ
- Advertisement -
આટલી ભયંકર બેદરકારી અને અવ્યવસ્થા: સફાઇ એજન્સી-જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
રાજકોટમાં દરેક લોકો માટે ફરવાનું લોકપ્રિય સ્થળ રેસકોર્સ છે, જ્યાં અલગ અલગ ત્રણથી ચાર ગાર્ડન આવેલા છે. આ તમામ ગાર્ડનમાં લોકોને બેસવુ કે ફરવુ ન ગમે તેવી હાલત થઇ ગઇ છે છતા પણ જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાની અનેક લોકોના મુખે ચર્ચા ઉઠી છે. ખુલ્લા વીજ વાયર, ઠેર ઠેર કચરાના ઢગલા, તૂટેલી હાલતમાં ડસ્ટબીન, ગટરના ખુલ્લા ઢાંકણા અને જ્યાં નજર કરો ત્યાં કાપેલી વૃક્ષની ડાળીઓ એ ખરેખર ગાર્ડનની શોભા ઘટાડી રહ્યા છે.
સ્માર્ટ ટોઇલેટ? – નામ માત્ર સ્માર્ટ ટોઇલેટ અંદર માત્ર ગંદકી જ જોવા મળે છે
- Advertisement -
ખુલ્લાં વીજવાયર – શું તંત્ર કોઇ મોટી દુર્ઘટના થયા પછી જ આંખ ખોલશે?
તંત્ર શહેર સ્વચ્છ હોવાનો દાવો કરી રહ્યું છે પરંતુ સ્થિતિ તદ્દન વિપરીત
વૃક્ષ પરથી ખરતા પાંદડા અને ગાર્ડનના અન્ય કચરાના ખડકલાં… નિકાલ કરવાના કોઈ ઠેકાણા નહીં!
તાજેતરમાં જ લવ ગાર્ડનમાં રોપાનું વાવેતર તો કર્યું પણ રોપામાંથી નીકળતી બેગ લેવાનું તો ભૂલાઇ જ ગયું!
જ્યાં રોજ અનેક લોકો વહેલી સવારે અને મોડી સાંજે ફરવા અને બેસવા માટે આવે છે ત્યાં આવી અવ્યવસ્થાથી પરેશાન થઇ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે બેદરકારી અને અવ્યવસ્થા છતા સફાઇ એજન્સી સામે કોઇ જ કાર્યવાહી કેમ નહીં ? ગાર્ડનમાં નાના બાળકોથી લઇ વૃધ્ધ તમામ ફરવા માટે આવતા હોય ત્યારે ખુલ્લા વીજવાયર અને ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે ક્યારેક અકસ્માતનો ભોગ બનશે તો જવાબદારી કોની? આમ કોઇ દુઘર્ટના બને તે પહેલા આવા જોખમો હટાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. માત્ર સ્વચ્છોત્સવ જેવા કાર્યક્રમો યોજી શહેર સ્વચ્છ હોવાના દાવા કરવા કરતા વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણી યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.