શિક્ષક પરિવારને ધમકી આપી મકાન-વાહનો કબજે કરનાર વ્યાજખોરો પર કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
મોરબી જિલ્લાના હળવદમાં વ્યાજંકવાદનો ભોગ બનેલા એક સરકારી શિક્ષક પરિવારને ન્યાય અપાવવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. હરીદર્શન સોસાયટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઈ પારેજીયા ઊંચા વ્યાજની જાળમાં ફસાયા હતા. વ્યાજખોરોએ તેમની પાસેથી નાણાં પરત મેળવવા માટે ધાકધમકી આપી, મકાન અને વાહનો બળજબરીથી કબજામાં લઈ લીધા હતા. આર્થિક અને માનસિક ત્રાસથી કંટાળીને રાજેશભાઈએ હળવદ પોલીસ મથકમાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
ફરિયાદ નોંધાતાની સાથે જ હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણાં ધીરી પઠાણી ઉઘરાણી કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પૈકી પ્રભુ જહાભાઈ કરોત્રા વિરુદ્ધ અગાઉ હળવદ પોલીસ સ્ટેશનમાં હત્યા (કલમ 302) સહિતના ગંભીર ગુનાઓ અને વ્યાજખોરીની કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. ભરત રાણાભાઈ રબારી વિરુદ્ધ પણ છેતરપિંડી અને ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.
સમગ્ર કામગીરીમાં પીઆઈ આર.ટી. વ્યાસ, પીએસઆઈ ડી.વી. કાનાણી, પીએસઆઈ કે.એચ. અંબારીયા, રમેશભાઈ અને હિતેશભાઈ સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા. હળવદ પોલીસે બાકી રહેલા આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
PI આર.ટી. વ્યાસના સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડ્યા
ઝડપાયેલા આરોપીઓના નામ
- Advertisement -
1. પ્રભુ જહાભાઈ કરોત્રા/રબારી (રહે. હળવદ હરીદર્શન સોસાયટી)
2. હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયા/આહીર (રહે. હળવદ રુદ્ર ટાઉનશીપ-1)
3. જયદેવ મનહરદાન દેવકા/ગઢવી (રહે. હળવદ સ્વામિનારાયણ નગર)
પકડવાનો બાકી આરોપી
1. ભરત રાણાભાઈ રબારી (રહે. હળવદ હરી દર્શન સોસાયટી)