વિસાવદર શહેરની સૌથી જૂની અને જાણીતી રામજી મંદિરની ગરબી આજે પણ તેની પ્રાચીન પરંપરા અને નવા રંગરૂપ સાથે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ ગરબીની લોકપ્રિયતા એટલી છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો પોતાના પરિવાર સાથે રાત્રિના સમયે ખાસ આ ગરબી જોવા માટે આવે છે. આ અતિ પ્રાચીન અને અર્વાચીન ગરબાની શૈલીમાં બહેનો સુંદર સંગીતના તાલે ગરબા લે છે. આ ગરબીની એક મોટી ખાસિયત એ છે કે ખૂબ જ નાની વયની બાળાઓને પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. આ બાળાઓનો ઉત્સાહ જોઈને તેમને ગરબીમાં રાખવામાં આવે છે. આ અતિ નાની બાળાઓ પોતાની બોલીમાં ગરબા લેતી જાણે સાક્ષાત જગદંબાનું બાળસ્વરૂપ હોય તેવો અનુભવ કરાવે છે, અને તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. આ ગરબીની બીજી એક મહત્વની વિશેષતા એ છે કે અહીં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિની દીકરીને ગરબા લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગામની શરૂઆતથી જ રામજી મંદિર ચોક તરીકે ઓળખાતા રોડ પર આ ગરબીનું આયોજન થાય છે. આ ગરબીમાં દાતાઓ દ્વારા દરરોજ બાળાઓને લાણી આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા બાળાઓને ઇનામ આપવા ઈચ્છતી હોય તો તે સંચાલકોનો સંપર્ક કરી શકે છે.
વિસાવદરની પ્રાચીન રામજી મંદિર ગરબી: પરંપરા અને ઉમંગનો અનોખો સંગમ

Follow US
Find US on Social Medias


