આખું જગત ત્રિગુણાત્મક છે : સત્ત્વ, રજસ અને તમસ !
-ડૉ. શરદ ઠાકર
ઇસુખ્રિસ્ત એક સુંદર વાત કહી ગયાં છે. એક પાપિણી સ્ત્રી ઉપર લોકોનું ટોળું જ્યારે પત્થરો ફેંકતું હતું ત્યારે જિસસે કહ્યું હતું, “આ સ્ત્રી ઉપર માત્ર એ જ પત્થર ફેંકે જેણે જિંદગીમાં કોઈ પાપ કર્યું ન હોય.”
- Advertisement -
આપણે બધાંએ ઓછાં-વત્તા પાપ કર્મો કર્યાં જ હશે. ભલે બીજા લોકોને ખબર ન હોય પરંતુ આપણાં પાપ આપણે તો જાણીએ જ છીએ. વાસ્તવમાં આ જગત જેને પાપ કહે છે તેનું મૂળ તો મનુષ્યનાં ઘડતરમાં જ સમાયેલું છે. આખું જગત ત્રિગુણાત્મક છે. આ ત્રણ ગુણો એટલે સત્ત્વ, રજસ અને તમસ !
સત્ત્વ એટલે શુદ્ધ, રજસ એટલે પ્રવૃત્તિ અને તમસ એટલે આળસુપણું અથવા જડતા. કોઈપણ મનુષ્યમાં અલગ-અલગ સમયે આ ત્રણ ગુણો પ્રગટ થતાં રહે છે. કોઈ એક સમયે એકાદ ગુણનું પ્રભુત્ત્વ જોવા મળે છે. તામસી માણસ જીવનભર તામસી નથી હોતો અને રાજસી માણસ હંમેશા રાજસી નથી રહેતો. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે, “હે અર્જુન, તારે આ ત્રણેય ગુણોથી પર થવું જોઈએ અને તારી અંદર જ રહેલાં તે સ્થળે પહોંચવું જોઈએ, કે જ્યાં પુણ્ય પણ નથી અને પાપ પણ નથી.” બધા ધર્મોનો ઉદ્દેશ એક જ છે: આ ત્રણ ગુણો પર વિજય મેળવવો. આપણાં ધર્મશાસ્ત્રો એવું કહે છે કે પ્રાર્થના, મંત્ર-જાપ અને બીજી ધાર્મિક પ્રક્રિયાઓ વડે કોઈપણ માણસ આ ત્રણેય ગુણોથી પર થઈ શકે છે. જેવી રીતે બીમારીમાં આપણે સાજા થવા માટે દવા લઈએ છીએ તે જ પ્રમાણે જો આપણે દુષણોથી ભરપૂર પરિસ્થિતિમાં જ જન્મ્યાં હોઈએ તો તેમાંથી છૂટવા માટે ઈશ્ર્વર ભક્તિનું ઔષધ લેવું જોઈએ.