રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં નેહરુ ગેટ ચોક પર મોટી સંખ્યામાં લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
નવરાત્રિના આગમન પૂર્વે જ મોરબીમાં ગરબાનો રંગ જામ્યો છે. ગત રવિવારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઐતિહાસિક નેહરુ ગેટ ચોક ખાતે એક ભવ્ય ફ્લેશ મોબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમને કારણે નવરાત્રિ પૂર્વે જ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ પર આવેલા પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ’સંકલ્પ નવરાત્રિ મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં બહેનો માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા જણાવ્યા મુજબ, અહીં નવ જુદા જુદા શક્તિ સ્થાનકો પરથી માતાજીની ચુંદડી લાવવામાં આવશે અને લોકો ત્યાં શક્તિ સૂત્ર બાંધી શકશે. બાદમાં, આ શક્તિ સૂત્રોને શક્તિપીઠ ખાતે અર્પણ કરવામાં આવશે. આ નવરાત્રિમાં શરણાઈ અને ઢોલના તાલે પ્રાચીન રાસના રાઉન્ડ પણ યોજાશે.
- Advertisement -
આ ભવ્ય આયોજનના ભાગરૂપે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ ગત રવિવારે નેહરુ ગેટ ચોક ખાતે ફ્લેશ મોબનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેલૈયાઓએ પોતાના અવનવા સ્ટેપ્સથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમનો ઉત્સાહ જોઈને અન્ય લોકો પણ ગરબે ઘૂમવા જોડાયા હતા. ગરબાના ગીતો અને દેશભક્તિના ગીતો પર સૌ કોઈએ મન ભરીને નૃત્ય કર્યું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો.



