જગદીશ આચાર્ય
ધોળે દિવસે રાજકોટમાં ઘનઘોર અંધારું છવાયું છે.જલસભર,શ્યામવર્ણી,
ઘેરા ઘેરા વાદળોના દળકટકોએ આકાશી મેદાનનો કબજો લઇ લીધો છે.સૂર્ય કિરણોને અડધે આકાશેથી પ્રવેશબંધી ફરમાવી દેવાઈ છે.ગગન ગોખે અષાઢ છવાયો છે.પાગલ બનેલા વાયુની થપાટોથી જલધારાઓ ત્રાંસી ત્રાંસી વરસી રહી છે.ધરતી આકાશ તરબતર છે.પ્રકૃતિ આખી ભીંજાઈ ગઈ છે.ભીની હવા છે,ભીની મોસમ છે.પવનમાં ઝૂમતા વૃક્ષોના ચોખ્ખા લીલાછમ ચમકતા પર્ણોમાંથી જલબિન્દુઓ ટપક ટપક ટપકી રહ્યા છે. નદી નાળા તાજા પાણીથી ઉભરાયા છે.રસ્તાઓ પર હળવી હળવી સરિતાઓ દોડી રહી છે.અત્ર તત્ર સર્વત્ર જળ સામ્રાજ્ય વ્યાપ્ત છે.સઘળું જળ બંબોળ છે,સઘળું જળ છલછલ છે.નગર જળબંબાકાર છે.આજે અંધારું કાંઈક અલગ છે.આજનો મેઘ ઉન્માદ કાંઈક અલગ છે.આજનું આકાશ કાંઈક અલગ છે.મેઘરાજાનો આજે મીજાજ કાંઈક અલગ અલગ છે.