ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રાજકોટ-મોરબી ફોરલેન હાઈવે બનેલ હજુ ચાર વર્ષ પણ થયા નથી અને તે ઠેર ઠેર તૂટી ગયો છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી (અઅઙ) દ્વારા મામલતદાર અને રોડ વિભાગને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અને ટકાઉ સમારકામની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રાજકોટ-મોરબી હાઈવે પર મસમોટા ગાબડાં પડી ગયા છે અને તે ઊંટની પીઠ જેવો ઉબડખાબડ બની ગયો છે. આ કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી પડે છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવાને બદલે પીડા ભોગવવી પડે છે.
- Advertisement -
વધુમાં, સગર્ભા સ્ત્રીઓ અને શાળાએ જતા બાળકોને પણ આ ખરાબ રસ્તાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બાળકોને ભણવામાં વિલંબ થતા તેઓ તણાવ અનુભવી રહ્યા છે. અઅઙએ સવાલ ઉઠાવ્યો છે કે, વારંવાર રસ્તા તૂટી જવા છતાં તંત્ર શા માટે કોઈ પગલાં લેતું નથી? આ આવેદનપત્ર પાઠવતી વખતે ટંકારા તાલુકા અઅઙના પ્રમુખ નરોત્તમ ગોસરા, રાજુ રૈયાણી, અનિલ દુબરિયા, કુલદીપ ભાગીયા, કાસમભાઈ ઉઠમણા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તાત્કાલિક આ હાઈવેનું સમારકામ કરવા માટે માંગણી કરી હતી.



