ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
મોટાભાગના અરજદારો પાસે B-1/B-2 વિઝાની લાયકાત અને ઇન્ટરવ્યુની તૈયારીનો અભાવ હોય છે
- Advertisement -
ગભરાટ અને ખોટા દસ્તાવેજોને બદલે, આંખમાં આંખ પરોવીને સાચું બોલવું એ વિઝા મેળવવાની ચાવી છે
અમેરિકાના જે બે પ્રકારના વિઝા છે. ટૂંક સમય માટે અમેરિકા જવા માટેના નોન ઈમિગ્રન્ટ અને કાયમ માટે ત્યાં રહેવા જવા માટે ઈમિગ્રન્ટ વિઝા. આમાં નોન ઈમિગ્રન્ટ વિઝા ખૂબ મોટા પ્રમાણમાં માંગણી થાય છે. એમાં પણ બિઝનેસ અને ટુરિસ્ટ માટેના બી-1 અને બી-2 ક્ષેણીના જે વિઝા છે એની તો સૌથી વધુ માંગણી થાય છે. અને સૌથી વધુ આ બે પ્રકારના જ નોન ઈમિગ્રન્ટ વિઝા નકારાય છે.
બી-1/બી-2 વિઝા નકારવાના અનેક કારણો છે. મોટાભાગના વિઝાના અરજદારો જયારે બી-1/બી-2 વિઝાની માંગણી કરવા અમેરિકન કોન્સ્યુલેટમાં જાય છે ત્યારે એમને શું શું દેખાડવાનું રહે છે? એમની આગળ કઈ કઈ લાયકાતો હોવી જોઈએ? એની જાણ જ નથી હોતી.
તમે જ્યારે બી-1/બી-2 વિઝાની માંગણી કરો છો ત્યારે તમે કાં તો બિઝનેસમેન હોવા જોઈએ કાં તો ટુરિસ્ટ હોવા જોઈએ.
ટુરિસ્ટ તરીકે જ્યારે બી-2 વિઝાની અરજી કરો છો ત્યારે અમેરિકામાં શું શું જોશે, ક્યા ક્યા જોવાલાયક સ્થળો છે એની એમને જાણ નથી હોતી. તમે જ્યારે બી-1 યા બી-2 વિઝાની અરજી કરો છો ત્યારે તમારે કોન્સ્યુલર ઓફિસરને તમારા ઈન્ટરવ્યુમાં ખાતરી કરાવી આપવી પડે છે કે તમે ખરેખર એક બિઝનેસમેન જ છો. તમે ખરેખર એક ટુરિસ્ટ જ છો. તમારો ઇરાદો અમેરિકામાં બિઝનેસના કાર્ય કરવા માટે જ જવાનો છે. તમારો ઈરાદો અમેરિકામાં એક ટુરિસ્ટ તરીકે ફરવા જવા માટે, ત્યાંના જોવાલાયક સ્થળો જોવા માટે તમારા ત્યાં રહેતા સગાંવહાલાં યા મિત્રોને મળવા માટે કે પછી કોઈ કોન્ફરન્સ કે એક્ઝિબિશનમાં હાજરી આપવા માટે અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ માટે છે.
તમારે એ પણ જણાવવું પડશે કે તમારી આગળ અમેરિકા જવા-આવવાના રહેવા-ખાવાના અને પરચુરણ ખર્ચા માટે જે પૈસાની જરૂરિયાત હોય એ માટે પૂરતા પૈસા છે. જો તમને અન્ય કોઈ વ્યક્તિ નાણાંકીય મદદ કરવાનો હોય તો એ વ્યક્તિ કોણ છે? એનો બિઝનેસ શું છે? એની કમાણી શું છે? એ ઈન્કમટેક્સ ભરે છે કે નહીં? એ તમને શું કામ તમને મદદ કરે છે? આ સઘળું તમારે દર્શાવી આપવાનું રહે છે.
તમે જો કોઈ કંપનીમાં નોકરી કરતા હોવ અને કંપનીના કામ અર્થે અમેરિકા જતા હોવ તો તમારે દેખાડી આપવું પડશે કે તમારી કંપની તમને જ શા માટે અમેરિકા મોકલે છે?
સૌથી વધુ અગત્યનું તમારે એ પણ દેખાડી આપવાનું રહે છે કે તમારા પોતાના દેશમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ તમને અમેરિકામાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતા સ્વદેશ પાછા ખેંચી લાવશે.
આ સઘળું તમારે બે-પાંચ મિનિટનો જે ઈન્ટરવ્યુ હોય છે એમાં દર્શાવી આપવાનું રહે છે. કોન્સ્યુલર ઓફિસરો તમને બોલવા નથી દેતા. તેઓ તમને જે સવાલો પૂછે છે એના જવાબો દ્વારા તમારે આ સઘળી ખાતરી કરાવી આપવાની રહે છે. આપણા લોકો ખોટા દસ્તાવેજો એટલા બધા રજૂ કરે છે કે હવેથી કોન્સયુલર ઓફિસરો દસ્તાવેજો નથી જોતા. એટલે તમારી આવક કેટલી છે? અમેરિકા જવાના ખર્ચા કરવા માટે તમારી આગળ પૈસાની સગવડ છે એ પણ તમારે દેખાડી આપવું પડશે. આ બધુ ઠીક છે પણ તમે જ્યારે ઈન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે તમારા મુખ ઉપર ગભરાટ હોય છે. બધુ વ્યવસ્થિત હોય, ખરેખર ખોટું કરવા ઈચ્છતા ન હોવ, તમે ખરેખર બિઝનેસમેન યા ટુરિસ્ટ હોવ, તમારી પાસે પૈસાનો પૂરેપૂરો બંદોબસ્ત હોય, તમે અમેરિકામાં નોકરી યા બિઝનેસ કરવા ન ઈચ્છતા હોવ, ત્યાં કાયમ રહેવા ન ઈચ્છતા હોવ તમારા દેશમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો બહુ જ ઊંડા હોય, છતાં તમારા મોઢા ઉપર ગભરાટ હોય છે. આથી કોન્સ્યુલર ઓફિસરને એમ લાગે છે કે ‘દાળમાં કંઈક કાળું છે.’ આ અરજદારના મુખ ઉપર ગભરાટ કેમ છે?
તમારે એ પણ દેખાડી આપવાનું રહે છે કે તમે સાચું બોલો છો. એ તમે જયારે કોન્સ્યુલરની આંખમાં આંખ પરોવીને આઈ કોન્ટેક્ટ કરી એમના સવાલોના જવાબો આપો છો ત્યારે ઓફિસરને એની ખાતરી થાય છે કારણ કે જે વ્યક્તિ ખોટું બોલતી હોય તે આઈ કોન્ટેકટ મેળવી નથી શકતો. આ એક કુદરતી નિયમ છે. તમે જયારે ઈન્ટરવ્યુમાં જાઓ ત્યારે તમારે કોન્સ્યુલર ઓફિસર જોડે આઈ કોન્ટેક્ટ મેળવવો જોઈએ. ઈન્ટરવ્યુ બને તો અંગ્રેજી ભાષામાં જ આપવો જોઈએ. ઈન્ટરવ્યુ અંગ્રેજી સિવાય બીજી ભાષામાં આપતા હશો તો તમારો ઓફિસર જોડે આઈ કોન્ટેક્ટ નહીં રહે.
ઓફિસર તમને સવાલો કરશે. ઇન્ટરપીટર એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કહેશે. તમે તમારી ભાષામાં જવાબ આપશો. દુભાષીયો ટ્રાન્સલેટ કરીને ઓફિસરને અંગ્રેજીમાં કહેશે. દરેક પ્રશ્ન પૂછવાની રીત, ઉચ્ચારો જુદા જુદા હોય છે. એની પાછળ એ સવાલો પૂછવાનો હેતુ શું છે એ છુપાયેલો હોય છે. એ તમે જોઈ નહીં શકો. એ જ પ્રમાણે તમે કેટલી સ્વસ્થતાથી જવાબ આપો છો એ ઓફિસર સાંભળી નહીં શકે. અને દુભાષીયાઓ ભાષાંતર કરીને તમને જે કહે છે, સવાલો તેમજ જવાબો કહે પૂરેપુરું કહેતા નથી. આથી પણ ઘણી વાર તમારા વિઝા નકારાય છે.
ઈન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે કપડાંનો ઠઠારો ન કરતા. સામાન્ય બિઝનેસમેન કે સામાન્ય ટુરિસ્ટ જે કપડાં પહેરે એ પહેરીને જ જજો. બિઝનેસમેન છીએ એવું દેખાડવા માટે શુટ-બુટ ટાઈ પહેરવાની કંઈ જરૂર નથી. દાગીનાનો ઠઠારો તો બિલકુલ કરવો નહીં જોઈએ. ઘણી સ્ત્રીઓ જેઓ કે-1 ફિયાન્સે વિઝાની અરજી કરતી હોય છે યા લગ્ન કર્યા બાદ ઈમિગ્રન્ટ વિઝાની અરજી કરતી હોય છે તારે લગ્નમાં જે કપડાં પહેરેલા હતા એ ભારે સાડી, અને હાથમાં મહેંદી અને ઘરેણાંઓથી લદબદ થઈને જાય છે. આ પણ યોગ્ય નથી. ઓફિસરને જાણ થઈ જાય છે કે તમે દેખાડો કરો છો. આ કારણે પણ તમારા વિઝા નકારવામાં આવે છે.
કોન્સયુલર ઓફિસર તમને જે સવાલો પૂછે છે અનેકો એ બરાબર સમજ્યા વગર જ એના જવાબ આપે છે. જવાબ પૂરેપૂરા નથી આપતા. દા:ત કોન્સયુલર ઓફિસર તમને પૂછે કે તમે શું કરો છો? તો તમે કહો છો કે બિઝનેસ. પછી ઓફિસરને પૂછવું પડે કે શેનો બિઝનેસ કરો છો? એટલે તમે કહો કે કાપડનો એટલે પાછા ઓફિસરે પૂછવું પડે કે ક્યાં કરો છો? જ્થ્થાબંધ કરો છો, હોલસેલ કરો છો કે રિટેલ કરો છો? આના બદલે પહેલેથી જ કીધું હોય કે મુરજીજેઠા માર્કેટમાં મારી કાપડની દુકાન છે અને હું હોલસેલ કાપડનો દસ વર્ષથી બિઝનેસ કરું છું. તો ઓફિસરોને વારંવાર સવાલો પૂછવાની જરૂર નહીં પડે.
મુખ્ય વાત તો એ હોય છે કે તમે જ્યારે ઈન્ટરવ્યુ આપવા જાઓ છો. ત્યારે વિઝાના અરજીપત્રક શું ભર્યું હોય છે એ તમે વાંચ્યું નથી હોતું. તમને જે પ્રશ્ન પુછવામાં આવે એના ઉત્તરો તમે અરજીપત્રકમાં જણાવ્યું હોય એની જોડે બંધબેસતા હોવા જોઈએ. આ બધી તકેદારી રાખશો તો વિઝા નકારવાના ચાન્સિસ ખૂબ ઘટી જશે.