ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢના દોલતપરા નજીક મુખ્ય માર્ગથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર મોટા ખાડાઓ હોવાથી વાહનચાલકોને અવારનવાર મુશ્ર્કેલીઓ પડે છે. ખાસ કરીને બાઈક સ્લીપ થવાના બનાવો વારંવાર બને છે, જેમાં ઘણા વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે.
જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા અને ખરીદવા માટે આ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. ચોકલી ગામના ખેડૂત મુકેશ પટેલે જણાવ્યું કે ખરાબ રસ્તાને કારણે વહેલી સવારે આવતા ખેડૂતોને ખૂબ જ મુશ્ર્કેલી પડે છે. વળી, મોટી ઉંમરના ખેડૂતોને કમરના દુખાવા જેવી શારીરિક સમસ્યાઓ પણ થઈ રહી છે.
- Advertisement -
ખેડૂતો દ્વારા વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરવામાં આવી છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય અને ખેડૂતો તથા વેપારીઓને રાહત મળી રહે. આ બિસ્માર રસ્તો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.