ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
ટુરિસ્ટ વિઝા માટે રૂ.16,095 અને વર્ક વિઝા માટે રૂ.17,836 જેવી મોટી રકમ ફી તરીકે ભરવી પડશે
- Advertisement -
અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે કે જે પણ પરદેશી અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતો હશે એ માટે વિઝા મેળવવા ઈચ્છતો હશે એને જો કોન્સ્યુલર ઓફિસરને એવું જણાશે કે એ વ્યક્તિ ભરોસાપાત્ર નથી અને કદાચ એ અમેરિકામાં જઈને ફરી પાછો એના દેશમાં નહીં આવે તો એ કોન્સ્યુલર ઓફિસર એ વ્યક્તિને પંદર હજાર ડોલરનો બોન્ડ આપવાનું કહેશે. એટલે જો એ અમેરિકા છોડીને સ્વદેશ નહીં આવે તો એ પંદર હજાર ડોલર અમેરિકાની સરકાર આ બોન્ડ દ્વારા વસૂલ કરશે.
આ સમાચાર સાંભળીને હાહાકાર મચી ગયો છે. અનેકોએ અમેરિકા જવાના વિચારો માંડી વાળ્યા છે. બધા આગળથી પંદર હજાર ડોલરની માંગણી કરવામાં નહીં આવે તેમ છતાં જયારે આ જાહેર કરવામાં આવેલું છે એનો અમલ થવા માંડશે ત્યારે આપણને જાણ થશે કે હકીકત શું છે? કઈ વ્યક્તિ પાસેથી પંદર હજાર ડોલરનું બોન્ડ કોન્સ્યુલર ઓફિસરો માંગશે અને કઈ વ્યક્તિઓને તેઓ એમને એમ જવા દેશે.
આપણે આ બધી જાણકારી મેળવીએ એ પહેલા એટલું જાણવું પણ જરૂરી છે કે તમારે જો અમેરિકા જવું હોય, ટૂંક સમય માટે અને નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવા હોય તો એ માટે આ જે પંદર હજાર ડોલર છે, એ તો જવા દો. પણ જે વિઝાનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે ડીએસ-160 અને અન્ય પ્રકારના ફોર્મ તો એના માટે તમારે કેટલી મોટી ફી આપવી પડે છે એની તમને જાણ છે?
જો તમે અમેરિકા એક બિઝનેસમેન તરીકે જવા ઈચ્છતા હોવ કે પછી ટુરિસ્ટ તરીકે જવા ઈચ્છતા હોવ, જો અમેરિકામાં ટ્રાંઝિસ્ટ પેસેંજર તરીકે જવા ઈચ્છતા હોવ એટલે કે અમેરિકામાંથી પસાર થતા હોવ અમેરિકાની અંદર રહેવાની ઈચ્છા ન હોય પણ ત્યાં અમુક કારણસર દાખલ થવું પડે અને થોડાક કલાકોમાં જ ત્યાંથી પછી બહાર નીકળી જવું પડે. જો એવું હોય એટલે કે તમે ટ્રાંઝિસ્ટ પેસેંજર હોવ, જો તમે એરલાઈન્સના ક્રુ મેમ્બર હોવ કે શિપના ખલાસી હોવ, તમે વિદ્યાર્થી હોવ, જર્નાલિસ્ટ હોવ કે મીડિયાના પર્સન હોવ, એક્સચેન્જ વિઝિટર હોવ, વોકેશનલ સ્ટુડન્ટ એટલે કે ડિગ્રી ધારક નહીં પણ કોઈ ખાસ કોર્સ કરવા માટે અમેરિકા જતા હોવ, તમે હ્યુમન ટ્રાફિકિંગના વિકટીમ હોવ, અથવા તો તમે નાફટાના પ્રોફેશનલ હોવ, તો તમારે બિઝનેસ/ટુરિસ્ટમેન્ટ તરીકે બી-1 અને બી-2 વિઝા ટ્રાંઝિસ્ટ પેસેંજર તરીકે સી-1 વિઝા, શિપ અને એરલાઈન્સના ક્રુ મેમ્બર તરીકે ડી વિઝા એકેડેમીક સ્ટુડન્ટ તરીકે એફ વિઝા, જર્નાલિસ્ટ અને મીડિયામેન તરીકે આઈ વિઝા, એક્સચેન્જ વિઝિટરો માટે જે વિઝા, વોકેશનલ સ્ટુડન્ટ માટે એમ વિઝા હ્યુમન ટ્રાફિકિંગના વિકટીમોને માટે ટી વિઝા અને નાફટાના પ્રોફેશનલો માટે ટીએન અથવા તો ટીડી વિઝા મેળવવા હોય તો આજે તમારે 16,095 રૂપિયા એમ કહો કે 185 ડોલર વિઝા ફી આપવાની રહે છે.
- Advertisement -
આ વિઝા ફી જો તમને વિઝા આપવામાં ન આવે તો પાછી મળતી નથી. એટલે આ બી-1,સી, એફ, આઈ, જે, એમ, ટી, ટીએન અને ટીડી વિઝા માટે 16095 રૂપિયા જે પણ વિઝા ન મળે તો પાછા નહીં મળે એ આપવાના રહે છે. બોલો. દિવસના સેંકડો લોકો અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા માટે અરજીઓ કરે છે. અને એમાંના વધારે નહીં તો પચાસ ટકા લોકોને વિઝા મળતા નથી. એમના 16,095 રૂપિયા જાય છે. અરે તમે ટ્રાંઝિશનર ક્રુ હોવ એટલે કે ખલાસી હોવ અને સીડબલ્યુ વિઝા મેળવવા હોય ટેમ્પરરી સિઝનલ વર્કર કે ટ્રેઈની હોવ, ઈન્ટ્રા કંપની ટ્રાન્સફરી હોવ, એક્સ્ટ્રા ઓર્ડિનરી આવડત ધરાવનાર વ્યક્તિ હોવ, એથ્લેટ હોવ, આર્ટિસ્ટ હોવ, એન્ટરટેનર હોવ, જે ઈન્ટરનેશનલ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ યોજાય છે એને લગતા તમારે વિઝા મેળવવા હોય, તમે રિલીજીયસ વર્કર હોવ, તો તમને ખબર છે કે તમારે વિઝા મેળવવા માટે નોન રિફંડેબલ કેટલા રૂપિયા આપવા પડે છે? સીડબલ્યુ, એચ, એલ, ઓ, પી, ક્યુ અને આર આ વિઝા મેળવવા માટે તમારે 17,836 રૂપિયા આપવાના રહે છે. અને તમને જો વિઝા ન મળે તો આ રકમ પાછી આપવામાં આવતી નથી. અરે આ વાત જવા દો તમે ટ્રીટી ટ્રેડર હોવ, ઈન્વેસ્ટર હોવ, ઓસ્ટ્રેલિયન પ્રોફેશનલ સ્પેશિયાલિટી વર્કર હોવ, લોંગ ટર્મ ઈન્વેસ્ટર હોવ તો તમારે 27,405 રૂપિયા એ પણ નોન રિફંડેબલ આપવાના રહે છે.
ઘણા લોકો અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન સિટીઝનો જોડે લગ્ન કરતા હોય છે. અને એ લગ્ન અમેરિકામાં જઈને કરે છે. અમેરિકામાં જવા માટે એ લોકોએ કે-1 વિઝાની અરજી કરવાની હોય છે. કે-1 વિઝાનું અમેરિકામાં પિટિશન દાખલ કરવું પડે. એની ફી ભરવી પડે. એડવોકેટો કે એટર્નીઓ રોકો તો એમની ફી આપવી પડે અને એ પિટિશન પ્રોસેસ થઈને એપૃવ થાય એટલે તમારે તમારા દેશમાં એટલે કે ઈન્ડિયામાં કે-1 વિઝાની ફી આપીને ઈન્ટરવ્યુ આપવા જવું પડે. આ ફીની રકમમાં તો ઘણા લોકો લગ્ન કરી નાખતા હોય છે. આ તો ફક્ત લગ્ન કરવા માટે અમેરિકામાં પ્રવેશવા માટે જે પ્રવેશ ફી આપવી પડે છે. ને એ રકમ છે 23,055 રૂપિયા! આ પૈસા કોઈ કારણસર તમને જો કે-1 વિઝા ન મળે તો પાછા આપવામાં નથી આવતા. એટલે ફક્ત લગ્ન કરવા માટે અમેરિકા જવું હોય તો એમાં પ્રવેશવા માટે તમારે આટલા બધા રૂપિયા આપવા પડે છે.
આમ અમેરિકામાં ટૂંક સમય માટે જવું પણ ખૂબ મોંઘું છે. અને હવેથી ડોનાલ્ડ ટ્રમ્પે એક વધારાનો બોજો નાખ્યો છે. બોજો કરતા બીક નાખી છે. એવું લાગશે કે તમે પાછા નહીં આવો તો અમે તમને કહીશું કે પંદર હજાર ડોલરનો બોન્ડ અમને આપો. જેથી તમે પાછા ન આવો તો અમે એ બોન્ડ વટાવીને પૈસા વસૂલ કરી લઈશું. એટલે તમને એ પંદર હજાર ડોલરની પેનલ્ટી લાગશે.
આમ અમેરિકા ખરેખર ખૂબ જ મોંઘો દેશ છે. એમાં પ્રવેશવા માટે જ આટલી બધી ફી આપવાની રહે છે. પણ સાથે સાથે એ પણ કહેવું પડે કે અમેરિકા ખૂબ જ સુંદર દેશ પણ છે. ત્યાં જોવાલાયક અનેક સ્થળો છે. નાયગ્રા ફોલ્સ, ગ્રાન્ડ કેન્યોન, ક્રુકેડ સ્ટ્રીટ, આ બધુ તમને અમેરિકામાં જ જોવા મળશે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, મેટ્રોપોલિટિયન મ્યુઝિયમ ઓફ આર્ટ, સ્મિથસોનિયન મ્યુઝિયમ, કેપિટલ હિલનું મકાન, ગોલ્ડન ગેટ બ્રીજ, લાસવેગાસના કસીનો આ સર્વે તમને અમેરિકામાં જ જોવા મળશે. એથી જ અનેકો જોખમ લઈને આ નોન રિફંડેબલ વિઝા ફી આપવા તૈયાર થાય છે. કારણ કે જો એમને વિઝા મળી જાય તો તેઓ અમેરિકા જઈને આ બધી જગ્યાઓ જોઈએ એમને ત્યાં જે કામ કરવું હોય એ કરીને એમના પૈસા વસૂલ કરે છે.
તમારી ફી એળે ન જાય એનો એક સહેલો રસ્તો એ છે. તમે જ્યારે કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરો ત્યારે અરજી કરતા પહેલા તમે જે પ્રકારના વિઝા મેળવવા ઈચ્છતા હોવ એની શું શું લાયકાતો છે? એ જાણી લો. ઈન્ટરવ્યુમાં કેવા કેવા સવાલો પુછવામાં આવે છે અને એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે? એ પણ સમજી લો. કયા દસ્તાવેજો લઈ જવા જોઈએ એ પણ જાણી લો. જો આવું કરશો તો તમને વિઝા મળશે અને તમે જે આ મોંઘીદાટ નોન રિફંડેબલ વિઝા ફી આપી હોય છે એ વસૂલ થશે.