ભક્ત મંડળોના રસ-ગરબાની ધમાકેદાર ઉજવણી, ગણપતિ બાપાની સ્થાપના કરી આરાધના
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
દેશભરના અનેક શહેરોમાં ગણેશ ચતુર્થીની ધામાકેદાર ઉજવણી વચ્ચે આજથી રાજુલા શહેરમાં પણ ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. શહેરના હવેલી ચોક, પોલીસ સ્ટેશન વિસ્તાર, હઠીલા હનુમાન, સંઘવી ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ભક્ત મંડળો દ્વારા વાજતે-ગાજતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા અર્ચના કરી આ પર્વનું ધાર્મિક મહત્વ ઉજવાયું. ગણપતિ બાપાને રંગબેરંગી ફૂલમાળા અને દ્રષ્ટિઆકર્ષક શણગાર સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ભક્તોમાં ઉત્સાહ અને હર્ષ જોવા મળ્યો, શહેર ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. કાર્યક્રમમાં રવુભાઈ ખુમાણ, યુવરાજભાઈ ચાંદુ, ચિરાગભાઈ જોષી, વિનુભાઈ શ્રીરામ, રાજેન્દ્રભાઈ ધાખડા, જયેન્દ્રભાઈ ધાખડા, મનીષભાઈ વાઘેલા, ગૌરાંગભાઈ મહેતા, પરેશભાઈ ગોહિલ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગણેશોત્સવનો આ પ્રારંભ ભક્તિભાવ સાથે થતો જોવા મળ્યો, જ્યાં શહેરમાં હર્ષ-ઉલ્લાસ અને રાસ-ગરબા સાથે ઉજવણીનો આનંદ છવાયો હતો.