કૌભાંડોથી ખદબદતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધરવાનું નામ લેતી નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો અમલ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પૂર્વે ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિ અંતર્ગત હિન્દી, મનોવિજ્ઞાન, હોમસાયન્સ, એમબીએ અને કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા હેડશિપ બાય રોટેશનની નીતિ હેઠળ પાંચ ભવનોના અધ્યક્ષની નિમણૂંક કરવામાં કુનીતિ દાખવવામાં હોવાની સ્ફોટક વિગત પ્રાપ્ત થઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશનનો નિયમ અમલી બનાવી દેવાયો છે. જેની સાથે જ પાંચ ભવનના અધ્યક્ષ બદલાયા છે. જેમાં મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા, એમબીએ ભવનમાં ડો. હિતેશ શુક્લા, હોમસાયન્સ ભવનમાં ડો. હસમુખ જોશી, હિન્દી ભવનમાં ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં ડો. અતુલ ગોસાઈને નવા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, નવા બનેલા આ પાંચેય ભવનના અધ્યક્ષ નવશિખિયા છે, જૂનિયર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચેય ભવનના સિનિયર પ્રોફેસર સાથે અન્યાય કરી જૂનિયર પ્રોફેસરને ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દીધા છે એટલું જ નહીં, આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અને સ્ટેચ્યૂટ 2024 અંતર્ગત સીનિયોરિટીના આધાર વિના ઓછા અનુભવી પ્રોફેસર્સને ભવનના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વાસ્તવમાં યુનિવર્સિટીએ સૌપ્રથમ પ્રોફેસર્સનું સીનિયોરીટી લિસ્ટ જાહેર કરવું પડે, ત્યારબાદ જેઓ સૌથી વધુ સિનિયર હોય તેઓને 5 વર્ષ માટે હેડ નિયુક્ત કરવાના રહે છે. પરંતુ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ભેદી કારણોસર નિયમનું ઊલટું અર્થઘટન કરવામાં આવ્યું છે. પોતાના લાગતાવળગતા અને માનીતાઓને અધ્યક્ષ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તમામ નીતિનિયમો ઘોળીને ગટગટાવી જવાયા છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો અમલ કરવામાં ગેરરીતિ: સીનિયોરિટી મુજબ રોટેશન થવું જોઈએ પણ થયું સંબંધ સાચવવા
સરકારે તમામ યુનિવર્સિટી માટે કોમન એક્ટ એટલા માટે બહાર પાડ્યો છે કે બધી યુનિવર્સિટીના નિયમો સરખા રહે અને સમાનતા જવળાઈ રહે. આ કારણોસર એમબીએ ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. સંજય ભાયાણીની જગ્યાએ તેમનાથી જૂનિયર ગણાતા પ્રોફેસર હિતેશ શુક્લને, હોમસાયન્સ ભવનમાં પૂર્વ કુલપતિ નિલાંબરી દવેની જગ્યાએ ડો. હસમુખ જોશીને, હિન્દી ભવનમાં નિષ્ણાંત પ્રોફેસર ડો. બી.કે. ક્લાસવાની જગ્યાએ ડો. શૈલેષ મહેતાને, કમ્પ્યુટર સાયન્સ ભવનમાં તજજ્ઞ ડો. કુંભારાણાની જગ્યાએ ડો. અતુલ ગોસાઈને અને મનોવિજ્ઞાન ભવનમાં અનુભવી ડો. યોગેશ જોગસણની જગ્યાએ જેઓ હજુ પ્રોબેશન પર છે, કાયમી નથી તેવા જૂનિયર પ્રોફેસર ડો. તરલીકા ઝાલાવાડીયાને મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા છે!
હેડશિપ બાય રોટેશનની નીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈક અલગ રીતે લાગુ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને આ નીતિના અમલમાં ગંભીર ચૂક પણ નરી આંખે દેખાઈ આવે છે. કારણ કે, સરકારે તમામ યુનિવર્સિટી માટે કોમન એક્ટ એટલા માટે બહાર પાડ્યો છે કે તમામેતમામ યુનિવર્સિટીના નિયમો સરખા રહે, સમાનતા જવળાઈ રહે. આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજ્યની અન્ય યુનિવર્સિટીની જેમ ચોક્કસ નિયમ અનુસરવાને પોતાની મનસૂફી મુજબ નિયમનું અર્થઘટન કરી પાંચ ભવનના અધ્યક્ષની નિમણૂંક વિવાદીત બનાવી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ નીતિના અમલમાં કરવામાં આવેલી કુનીતિની વધુ વિગતો મેળવાઈ રહી છે જે હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ક્યા ભવનમાં કોણ જૂનિયર પ્રોફેસર હેડ બની ગયા?
હિન્દી : ડો. શૈલેશ મહેતા
મનોવિજ્ઞાન : ડો. તરલિકા ઝાલાવાડિયા
એમબીએ : ડો. હિતેશ શુક્લ
કમ્પ્યુટર સાયન્સ : ડો. અતુલ ગોસાઈ
હોમસાયન્સ : ડો. હસમુખ જોષી
ક્યા ભવનમાં કોણ સિનિયર પ્રોફેસર હેડ હોવા જોઈએ?
હિન્દી : ડો. બી.કે. ક્લાસવા
મનોવિજ્ઞાન : ડો. યોગેશ જોગસણ
એમબીએ : ડો. સંજય ભાયાણી
કમ્પ્યુટર સાયન્સ : ડો. કુંભારાણા
હોમસાયન્સ : નિલાંબરી દવે
માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ કેમ લાગુ કરાયો?
આજથી પાંચ વર્ષ પૂર્વે નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘હેડશિપ બાય રોટેશન’ અમલ કરવા ભલામણ કરવામાં આવેલી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષો બાદ હેડશિપ બાય રોટેશનના નવા નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્રશ્ર્ન એ ઉદ્દભવે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ નિયમ અમલમાં મૂકવામાં આવે ત્યારે તે તમામ ભવનને લાગુ છે. માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ કેમ અમલમાં મૂકવામાં આવ્યો છે? તે અન્ય ભવનને લાગુ કેમ પડતો નથી? આ સવાલનો જવાબ જાણકારો એવો આપે છે કે, કેટલાક લાગતાવળગતા અને ભલામણીયાઓને હેડ તરીકે 5 વર્ષથી વધુ થયા છે તેમ છતાં તેમને અધ્યક્ષ તરીકે ચાલું રાખ્યા છે તો જેઓ ગુડબુકમાં નથી તેઓને હેડમાંથી મુક્ત કર્યા છે તો કેટલાક હેડને ભવિષ્યમાં બીઓએમમાં સભ્ય બનાવવાની લાલચ આપીને હેડમાંથી હટાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ બીઓએમના સભ્યો દ્વારા મનફાવે તેમ નિયમ અને નિર્ણયની અમલવારી કરવામાં આવે છે તેથી માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે કેટલાક કર્તવ્યનિષ્ઠ પ્રોફેસર પોતાને થયેલા અન્યાય વિરૂદ્ધ લડી લેવાના મૂડમાં જણાય છે.