જમજીર ધોધ નજીક પ્રતિબંધિત વિસ્તારમાં રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ દ્વારા કરી હતી વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.27
કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોય તંત્ર દ્વારા ધોધ નજીક ન જવા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં અમદાવાદની એક્ટર પૂજા પ્રજાપતિ સહિત ત્રણેય યુવતીઓએ ધોધ નજીક પહોંચી રિલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.
- Advertisement -
આ ગંભીર બાબત તંત્રના ધ્યાનમાં આવતાં એક્ટર સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી ગીર સોમનાથના નિવાસી અધિક કલેકટર રાજેશ આલ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જમજીર ધોધ પરનો પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો વીડિયો વાઈરલ થયો છે. આ ધોધ પર લોકોની અવરજવર પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રિલ્સ બનાવતા ધોરણસરની ફરિયાદ દાખલ કરી તપાસનો આદેશ આપ્યો છે. વધુમાં જમજીર ધોધ ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લાના નાગરિકોને ધોધ ખાતે જીવ જોખમમાં મૂકી ન જવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે અપીલ કરી છે.