ખાસ-ખબર ન્યૂઝના ખાનગી વાહનોથી ટ્રાફિકજામના અહેવાલનો પડ્યો પડઘો
એસ.ટી.બસને મુસાફરો બેસાડવામાં મુશ્કેલીનું નિરાકરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં મોટાભાગના ચોક અને વિસ્તારમાં સતત ટ્રાફિકજામની સમસ્યા રહે છે. ત્યારે ગ્રીન લેન્ડ ચોકડી નજીક અનેક ખાનગી કારચાલકો એકઠા થઇ ટ્રાફિકજામ કરતા હોવાની અને એસ.ટી. બસોને મુસાફરો બેસાડવામાં મુશ્કેલી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારે ખાસ ખબર ન્યૂઝની ટીમે સ્થળ પર જઇ સમગ્ર પરિસ્થિત નિહાળી હતી અને કેમેરામાં કેદ કરી હતી. જેમાં સતત ટ્રાફિકજામ અને મુસાફરોને પડતી હાલાકી ધ્યાને આવી હતી. જે અનુસંધાને 19 ઓગસ્ટના રોજ ખાસ-ખબર ન્યૂઝમાં એક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિધ્ધ થતાં જ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી અને ગ્રીનલેન્ડ ચોકડીએ ખાનગી વાહનો દૂર કરાવ્યા હતા.
તેમજ સૌથી મહત્વનું કાયમી ધોરણે ત્રણ ટ્રાફિક પોલીસ જવાનને ત્યાં ટ્રાફિક નિયમન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આ મહત્વના નિર્ણયથી હવે ટ્રાફિક સમસ્યાથી ચાલકોને છૂટકારો મળશે. તેમજ એસ.ટી.બસને મુસાફરોને બેસાડવામાં પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ આવશે.



