સુરત ઝોન-4ના DCP વિજયસિંહ ગુર્જરને રાજકોટ પોસ્ટિંગ અપાયું
2010 રાજસ્થાનના વતની વિજયસિંહ દિલ્હીમાં PSI તરીકે ભર્તી થયા
- Advertisement -
2012 કેરલ ખાતે સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ વિભાગમાં પસંદગી
2014 સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષા પાસ કરીને ઈંઝ ઈન્સ્પેકટર
2017માં UPSC પરીક્ષામાં 574નાં રેન્કથી પાસ થયા અને IPS બન્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓના બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી કરવામાં આવી હોય તેમના સ્થાને સુરત ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરને પોસ્ટીંગ અપાયું છે. ત્યારે ગુરુવારે રાજકોટ જિલ્લાના 35માં એસપી તરીકે વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની બાબતે ચર્ચા કરી હતી.
મુળ રાજસ્થાનના ઝુઝુનના વતની વિજયસિંહ ગુર્જર એક ખેડૂત પરિવારના પુત્ર છે. ખેડૂત પરિવારમાંથી આવતાં વિજયસિંહ ગુર્જરનાં પિતાનું સ્વપ્ન પુત્રને શિક્ષક બનાવવાનું હતું. જેથી વિજયસિંહ ગુર્જરે સંસ્કૃતમાં ગ્રેજ્યુએટ થયા બાદ રાજસ્થાનમાં શિક્ષક અને આર્મી તેમજ પોલીસ ભરતીમાં પરિક્ષામાં અસફળ રહેતાં દિલ્હી પોલીસમાં ભરતી થવા માટે તેમણે તૈયારી કરી હતી અને 2010માં દિલ્હી પોલીસમાં તેઓ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા હતાં. ત્યારબાદ તેમણે સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષાની તૈયારીઓ કરી હતી અને 2012માં તેઓ કેરલ ખાતે સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ વિભાગમાં પસંદગી પામ્યા હતાં. ત્યારબાદ તેમણે બીજી વખત 2014માં સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષા પાસ કરીને ઈન્કમટેક્ષ ઈન્સ્પેકટર તરીકે કેન્દ્રનાં આવક વેરા વિભાગમાં જોડાયા હતાં. ઈન્કમટેક્ષ વિભાગમાં ફરજ સાથે તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને દરરોજ છ કલાકનો અભ્યાસ સાથે નોકરી કરી અને 2017માં વિજયસિંહ ગુર્જર યુપીએસસી પરીક્ષામાં 574નાં રેન્કથી પાસ થયા અને આઈપીએસ બન્યા હતાં. પોલીસ કોન્સ્ટેબલથી લઈને તેમની આઈપીએસ સુધીની સફરમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા હતાં આઈપીએસ બન્યા બાદ પ્રોબેશનમાં તેમણે અલગ અલગ સ્થળોએ ફરજ બજાવ્યા બાદ સુરત ઝોન-4 ડીસીપી તરીકેની ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેમને રાજકોટ એસપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય આજે તેઓ સુરતથી રાજકોટ આવ્યા હતાં. તેમનું ગાર્ડ ઓફ ઓર્નર સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને ડીસીપી તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો હતો.
પ્રથમ દાહોદ SP તરીકે ચાર્જ સંભાળી કારકિર્દીની શરૂઆત કરી
પ્રોબેશન પિરિયડ બાદ તેઓ પ્રથમ દાહોદ એસપી તરીકે ચાર્જ સંભાળી કારકિર્દીની શરૂઆત કરી હતી. દાહોદના કાર્યકાળ દરમિયાન કાબીલેદાદ કામગીરી કરી હતી જે બાદ તેઓએ વલસાડ એસઆરપી સુપ્રીટેન્ડેટ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરત શહેરમાં ડીસીપી તરીકે તેમની બદલી થઈ હતી. જેમાં ઝોન-4 માં પણ કડક અધિકારી તરીકે તેમની છાપ રહી છે. હવે તેઓ રાજકોટ ગ્રામ્યના એસપી તરીકે ફરજ અદા કરશે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ગોંડલ અને રિબડાનું વાતાવરણ ગરમ ચાલી રહ્યું છે, ત્યારે નવા એસપી વિજયસિંહ ગુર્જર માટે આ ધમાસાણ પડકારરૂપ બની રહેશે.



