રાજુલા પંથકમાં ધાતરવડી ડેમ ઓવરફ્લો, 3 ગામો સંપર્કવિહોણાં
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વહેલી સવારથી જ અનરાધાર મેઘસવારી વરસી હતી. રાજુલા શહેર સહિત ડુંગર, માંડળ, છાપરી, કુંભારીયા, દેવકા, ખાંભલીયા, છતડીયા, હિંડોરણા, કાતર, કોટડી, બારપટોળી, નવી-જુની માંડરડી, ધારેશ્ર્વર, વાવેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદથી રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-2 100 ટકા ભરાઈ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વહેલી સવારથી જ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા હતા. ધોધમાર વરસાદને કારણે સમઢીયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતાં ખેરા, પટવા અને ચાંચબંદર ગામનો સંપર્ક તૂટી ગયો હતો. રસ્તા પર પાણી ફરી વળતાં ત્રણેય ગામના લોકો અવરજવરથી વંચિત થયા હતા. ચાંચબંદર ગામની એક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ રસ્તામાં અટવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ જીવના જોખમે ટ્રેક્ટરની ટ્રોલીમાં મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. દર ચોમાસે સર્જાતી આ પરિસ્થિતિને લઈને અહીં તાત્કાલિક બ્રિજ બનાવવાની માંગ ફરી ઉઠી છે.
- Advertisement -
દાતરડી ગામે 3 ખેડૂતોનું રેસ્ક્યુ
રાજુલાના દાતરડી ગામ નજીક આડલયો અને રામતલીયા નદીમાં પૂર આવતા ત્રણ ખેડૂતો ખેતરમાં ફસાયા હતા. ગતરાત્રીથી ફસાયેલા ખેડૂતોને બહાર કાઢવા ગઉછઋની ટીમે દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. રાજુલા તાલુકાના છાપરી ગામે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. રાજુલા પંથકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં રાહતનો શ્ર્વાસ જોવા મળ્યો છે.



