સોમનાથ કવાટ રૂટની એસટી બસની ફરિયાદ, કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓ આંદોલન કરશે
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વીરપુરના એક વિદ્યાર્થીને સોમનાથ કવાટ રૂટની એસટી બસના કંડક્ટરે પરેશાનીમાં મૂકી દેવાતા ગોંડલ એસટી ડેપો મેનેજરને ફરિયાદ કરવામાં આવી છે. માહિતી મુજબ, જેતપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વીરપુર આવવા માટે એક્સપ્રેસ બસમાં સવાર થયા હતા. વિદ્યાર્થી પાસ હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ બસ વીરપુર પહોંચ્યા વિના કાગવડ-થોરાળા માર્ગે સીધી ગોંડલ સ્ટેન્ડ પર લઈ જવાઈ. આ અંગે વિદ્યાર્થીએ કંડક્ટરને પૂછતાં કંડક્ટરે સમજાવવા બદલે ધમકી આપતા વિદ્યાર્થી ભયભીત બન્યો હતો.
- Advertisement -
આ ઘટના બાદ વરસાદ વચ્ચે વિદ્યાર્થીને ચાર કલાક જેટલો સમય રજડી પડવું પડ્યું હતું. પરિવારજનોએ પણ સમયસર ઘરે ન પહોંચતાં ચિંતાનો માહોલ અનુભવ્યો હતો. અંતે કટકે-બટકે મદદથી વિદ્યાર્થી ઘરે પહોંચ્યો.
વિદ્યાર્થીએ ગોંડલ એસટી ડેપો મેનેજરને ફરિયાદ કરી છે અને સંબંધિત ડ્રાઈવર-કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો પગલાં નહીં લેવાય તો ડેપોનો ઘેરાવ કરવામાં આવશે અથવા બસ રોકી રસ્તા પર ઉતરાશે.
વીરપુર યાત્રાધામ – બસ સ્ટેન્ડ રામભરોસે
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર, જ્યાં દરરોજ હજારો ભાવિકો જલારામ બાપાના દર્શન કરવા આવે છે. હજારો વિદ્યાર્થીઓ પણ રોજ અભ્યાસ માટે અપડાઉન કરે છે. કરોડો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ નિર્માણ છતાં મુસાફરોને સુવિધાઓ મળતી નથી.સાંજે 5 વાગ્યા પછી એસટી ઓફિસ અને પૂછપરછ બારી બંધ રહે છે, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને રવિવાર અને જાહેર રજાઓના દિવસે યાત્રાળુઓની ભીડ વચ્ચે પૂછપરછ બારી બંધ રહે છે. યાત્રાળુઓ તેમજ મુસાફરોની માંગ છે કે વીરપુર એસટી બસ સ્ટેન્ડમાં પૂછપરછ બારી અને ઓફિસ કાયમી રીતે ખુલ્લી રાખવામાં આવે.



