2022ના આત્મહત્યા કેસમાં SITની રચના કરાઈ હતી
ઓઝોન ગ્રુપ સહિત 7 લોકો સામે આપઘાત માટે ફરજ પાડવાનો ગુનો નોંધાયો હતો
મૃતક મહેન્દ્ર ફળદુએ સુસાઇડ નોટમાં અમદાવાદના ઓઝોન ગ્રુપને જવાબદાર ઠેરવ્યું હતું
- Advertisement -
આ કેસમાં જાણીતા સિનિયર એડવોકેટ્સની દલીલો સફળ : નિરૂપમ નાણાવટી, યશ નાણાવટી, મિહિર ઠાકોર સહિતના વકીલો આરોપીઓ વતી હાજર રહ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી, ઉદ્યોગપતિ અને કડવા પાટીદારની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ 2 માર્ચ, 2022ના રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં પોલીસે 7 લોકો સામે આપઘાત ફરજ પાડવા બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તે કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિર્ઝર દેસાઇએ ચાર આરોપીઓ સામે ફરિયાદ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. આમ હવે આરોપીઓ સામે કોઇ ફરિયાદ રહેતી ન હોવાથી આગળની કોઇ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઇ શકશે નહી. જેથી આરોપીઓને મોટી રાહત મળી છે. આ કેસના વિગતવાર આદેશની રાહ જોવાઇ રહી છે. આ સાત વ્યક્તિઓમાં પ્રકાશ ચંદુલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, જયેશ કાન્તીલાલ પટેલ, પ્રણય પટેલ, અમીત ચૌહાણ, અતુલ મહેતા મનસુખ એમ. સુરેજાનો સમાવેશ થાય છે.
રાજકોટમાં 2 માર્ચના રોજ સૌરાષ્ટ્રની જાણીતી યુવી ક્લબના ચેરમેન અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની કલ્પતરૂ પ્રોપર્ટીની ઓફિસમાં દવા પી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ મીડિયાના મોકલી હતી. જેમાં અમદાવાદના ઓઝોન ગ્રુપને જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી પોલીસે રાજકોટના બે અને અમદાવાદના પાંચ બિલ્ડર સામે છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો. મૃતક મહેન્દ્ર ફળદુના પુત્ર પ્રિયંકની ફરિયાદ પરથી પોલીસે રાજકોટના મનસુખ એમ. સુરેજા, અમીત જયમલ ચૌહાણ, અમદાવાદના અતુલ મહેતા, ઓઝોનના ડાયરેક્ટર દીપક મણીલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ અને પ્રકાશ ચંદુલાલ પટેલ સામે ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરી હતી.
હાઈકોર્ટના આદેશ મુજબ આ બનાવમાં ખરેખર અન્ય કારણો કારણભૂત હતા જેના કારણે આ પગલું ભરવામાં આવેલ અને તેના કારણે ફોજદારી ફરિયાદ જ ક્વોશ (રદ્દ) કરવામાં આવેલ છે.
આ કેસમાં આરોપીઓ વતી જાણીતા સિનિયર એડવોકેટ નિરૂપમ નાણાવટી, યશ નાણાવટી, મિહિર ઠાકોર, સાંજણવાલા એસોસિએટ, સિદ્ધાર્થ દવે અને ગાંધી લો ફર્મ રોકાયા હતા.



