ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ કાયમી કર્મચારીઓની નિમણૂકની ઘટ વચ્ચે હાલમાં કોર્પોરેશનમાં જરૂરી વિભાગોમાં 11માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે જેમાં ભરતીના બીજા રાઉન્ડમાં સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, લીગલ ઓફિસર, લીગલ ક્લાર્ક સહિતની વિવિધ 16 કેડર માટે 39 જગ્યા ભરવા અરજીઓ મંગાવવામાં આવતા 224 ઉમેદવારોએ અરજી કરી હતી જેમાંથી 29 જગ્યાઓ ભરવામાં આવી છે. જો કે, હજુ પણ 10 જગ્યા ખાલી રહેવા પામી છે.
મોરબી મહાનગર પાલિકામાં સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, લીગલ ઓફિસર, લીગલ ક્લાર્ક, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, ઇલેક્ટ્રિક ઈજનેર, મિકેનિક, એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, ઓટો મોબાઈલ ઈજનેર, આઇટી એક્સપર્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સિવિલ ઈજનેર, રિકવરી ઓફિસર, વ્યવસાય વેરા અધિકારી અને જન સંપર્ક અધિકારીની 16 પોસ્ટ માટે 39 જગ્યા ભરવા માટે ભરતી પાર્ટ-2 જાહેર કરવામાં આવતા 11 માસના કરાર વાળી નોકરી મેળવવા કુલ 224 ઉમેદવારોએ અરજી કરી હતી.
- Advertisement -
મહાનગર પાલિકા દ્વારા 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા પાર્ટ -2માં હાલમાં 39 પૈકી 29 જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ અને અન્ય આનુસંગિક પ્રક્રિયા બાદ નિમણુંક હુકમો આપ્યા છે. હજુ પણ આઇટી એક્સપર્ટ, રિકવરી ઓફિસર, વ્યવસાય વેરા અધિકારી અને જન સંપર્ક અધિકારી, મિકેનિક અને લીગલ ઓફિસરની દસ જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો ન મળવાથી કે અન્ય કારણોસર નિમણુંક હુકમો આપ્યા ન હોવાનું સામે આવ્યું છે.