સોમનાથ સર્કીટ હાઉસ ખાતે કોરિડોર મામલે આગેવાનો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ આશ્વાસન પાઠવ્યું
72 ધ્વજાપૂજા નોંધાઈ, 64 હજાર ભક્તોએ દર્શન કર્યા
- Advertisement -
સોમનાથ સર્કીટ હાઉસ ખાતે કોરિડોર મામલે આગેવાનો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ આશ્ર્વાસન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે શ્રાવણ માસના અંતિમ સવારે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો.મંદિર પરિસરમાં પાલખીયાત્રા અને પાઘયાત્રા પણ નીકળી હતી.સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ કાર્યકમો પણ યોજાવામાં આવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ સાનિધ્યે ભક્તિમય વાતાવરણમાં ભક્તો દ્વારા 72 ધ્વજાપૂજન, 61 સોમેશ્વર મહાપૂજન,599 રૂદ્રાભિષેક પાઠ કરવામા આવેલ. સાંજે સુધીમાં 64 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને કોરિડોર મામલે સ્થાનિકો સાથે બેઠક યોજી હતી.
શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ સાનિધ્યે ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું.મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા પણ નીકળી હતી અને જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીએ આ પાલખીયાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું હતું.સાથો સાથ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા જેને પગલે સૌ પ્રથમ તેમનું સોમનાથ હેલિપેડ ખાતે આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેઓ મહાદેવના દર્શને પહોચ્યા હતા અને પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી સોમનાથ સર્કીટ હાઉસ ખાતે પહોચ્યા હતા જ્યાં તેમણે સોમનાથ કોરિડોર મામલે જે પ્રભાસ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે તેના આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર સહિતનાઓની ઉપસ્થિતિમાં વાતચીત કરી સંતોષ થશે તેવી કામગીરી થશે તેવી ખાતરી આગેવાનોને આપી હતી.જો કે આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ વતી કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું તેવું સમિતિના સભ્યો દ્વારા જણાવાયું હતું.
- Advertisement -
આગેવાનોએ કહ્યું દુકાનધારકોને ટ્રસ્ટ વૈકલ્પિક જગ્યા આપે છે તો અમને કેમ નહીં?
મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સ્થાનિક આગેવાનોને સમય આપી વાતચીત કરી પ્રભાસ ક્ષેત્રનું ઐતિહાસિક મૂલ્યાંકન પણ કરાવ્યું.ઘણા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે.ભગવાનને પ્રાર્થના કરીએ કે આગળના સમયમાં સુચારૂ રૂપે આગળ વધી શકાય.વર્તમાન પરિસ્થિતિમાં સુચારૂ રૂપે સંપર્ક સાધી ન શકવાને લીધે ક્યાંક ને ક્યાંક બાધાઓ ઉત્પન્ન થઈ છે.જે વેદનાઓ મુખ્યમંત્રી સમક્ષ અમોએ ઠાલવી.તેમણે પણ સાંત્વના પાઠવી છે. પ્રશાસનનો વ્યવહાર જે હતો તે ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો.જેના લીધે ગામના લોકોએ કોરિડોર ન જોઈએ તેવા નિર્ણય પર આવ્યા હતા.આવનારા સમયમાં સુચારૂ રૂપે સંપન્ન થાય તેવા પ્રયત્નો કરીશું. – જયવર્ધન જાની ( ઉપપ્રમુખ – તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ )
મુખ્યમંત્રીને અમો અગાઉ ગાંધીનગર ખાતે મળ્યા હતા ત્યારે તેઓ સોમનાથ આવવાના હતા જેને લઈને અમારી લાગણી હતી કે એક વખત મળીએ ત્યારે આજરોજ તેમની સાથે બેઠક થઈ અને અમારી માંગણી અને લાગણીની રજૂઆતો તેમને કરી છે.કોરીડોરનો વિરોધ તો છે જ પરંતુ જ્યારે સોમનાથ ટ્રસ્ટ અન્ય લોકોને વૈકલ્પિક જગ્યા આપે છે.દુકાનોની ફાળવણી કરે છે.તો અમારી તો બાપ દાદાની જગ્યાઓ છે એમને વૈકલ્પિક જગ્યા કેમ નથી આપતાં ? આ સિવાય કેશુબાપા, લહેરી સાહેબ જેવા કેટલા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી રહી ચૂક્યા છે જેમણે ગામની સાથે સુમેળ રાખ્યો છે.જે પ્રશ્નો થતા અમે તેમને મળીને નિકાલ કરતા હતા.જ્યારથી યોગેન્દ્ર દેસાઈ આવ્યા છે ત્યારથી ગામ અને મંદિર અલગ થઈ ચૂક્યા છે.આજે ત્રણ વર્ષમાં એક વખત પણ તેમણે બેઠક યોજી ગામના 5 આગેવાનોને પણ બોલાવ્યા નથી.આજે તેમણે સરકાર વચ્ચે ઘર્ષણ ઊભું કરી દીધું.તેની પણ મુખ્યમંત્રીને અમોએ રજૂઆત કરી વિકલ્પ વિચારવા જણાવ્યું છે.મુખ્યમંત્રી દ્વારા પણ સંતોષ થશે તેવું કામ કરશું તેવી ખાતરી આપવામાં આવી છે – બાલાભાઈ શામળા ( ઉપપ્રમુખ – પ્રભાસ હિત રક્ષક સમિતિ )
સોમનાથ ટ્રસ્ટ ગીર સોમનાથમાં 1 કરોડના ખર્ચે વર્ષમાં 7 લાખ લાડુનું વિતરણ કરશે,પેકિંગ પણ ઈકો ફ્રેન્ડલી કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનો આરંભ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7 લાખ લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે.અંદાજિત રૂ. 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.આ લાડુ પ્રસાદના પેકિંગ માટે ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું પેકેજિંગ મશીન વિકસાવ્યું છે.જે એર-ટાઇટ રીતે અને પૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરે છે. સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ રૂપે પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ કરવામાંઆવ્યોછે.