11 દેશોમાં 43 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી, 9 વર્ષમાં ખાડી દેશોમાં 3405 કેદીઓનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
લોકસભામાં એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં યમન સહિત 11 દેશોમાં 43 ભારતીયો મૃત્યુદંડની સજાનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત, વિશ્વના 70 થી વધુ દેશોમાં 10,574 ભારતીય નાગરિકો જેલમાં બંધ છે.
તેમાંથી કેટલાક પર કેસ ચાલી રહ્યો છે, કેટલાક દોષિત ઠેરવવામાં આવ્યા છે અને કેટલાક સજા પૂર્ણ કરી હોવા છતાં મુક્તિ અથવા પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યા છે. આમાં, 14 દેશો એવા છે જ્યાં 100થી વધુ ભારતીયો જેલમાં છે.
જોકે, આ સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઘણા દેશોમાં કડક પ્રાઈવેસી કાયદાને કારણે બધા કેસોની વિગતવાર માહિતી પૂરી પાડવી શક્ય નથી. ઘણા દેશોમાં, જ્યાં સુધી સંબંધિત કેદી મંજુરી ન આપે ત્યાં સુધી માહિતી શેર કરવામાં આવતી નથી.
મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશી જેલોમાં 43 ભારતીય નાગરિકો મૃત્યુદંડની સજાનો સામનો કરી રહ્યા છે. આમાંથી સૌથી વધુ 21 સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ) માં છે. ત્યારબાદ સાઉદી અરેબિયા (7), ચીન (4), ઇન્ડોનેશિયા (3), યમન (1) અને કેટલાક અન્ય દેશોનો ક્રમ આવે છે. 15 જુલાઈ 2025 સુધીમાં શ્રીલંકાની જેલમાં 28 ભારતીય માછીમારો કેદ છે. માનવતાવાદી અને આજીવિકાના ધોરણે આ મુદ્દો શ્રીલંકાની સરકાર સમક્ષ સતત ઉઠાવવામાં આવી રહ્યો છે.
- Advertisement -
હાલમાં, વડાપ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાત દરમિયાન પણ આ વાત પર ભાર મૂક્યો હતો. સરકારે કહ્યું કે ભારતીય મિશન આ કેદીઓને કાનૂની સહાય, કોન્સ્યુલર ઍક્સેસ અને સમયસર મુક્તિ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. ઘણા દેશો સાથે કેદી ટ્રાન્સફર કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એક દાયકામાં વિદેશી જેલોમાં કેદીઓની સંખ્યા 63% વધી
છેલ્લા દાયકામાં વિદેશી જેલોમાં ભારતીય કેદીઓની સંખ્યામાં 63%નો વધારો થયો છે. 2016માં વિદેશી જેલોમાં 6,489 ભારતીયો કેદ હતા. ઓગસ્ટ 2025માં તેમની સંખ્યા વધીને 10,574 થશે.6 ખાડી દેશોમાં સૌથી વધુ કેદીઓ છે. 2016માં ખાડી દેશોમાં 3,266 કેદીઓ હતા. તેમાં સાઉદી અરેબિયામાં 1653, યુએઈમાં 838, કુવૈતમાં 459, કતારમાં 139, ઓમાનમાં 109, બહેરીનમાં 68 કેદીઓનો સમાવેશ થાય છે. 2025માં આ સંખ્યા બમણાથી વધીને 6,671 થઈ જશે. સરકારે કહ્યું કે ઈન્ડિયન કમ્યુનિટી વેલ્ફેર ફંડ પણ કેદીઓને મદદ કરવા માટે એક્ટિવ છે. આ દ્વારા જરૂરિયાતમંદ કેદીઓને મદદ કરવામાં આવે છે.